તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ભારતનો અસલી આત્મા આદિવાસી અને અનુસૂચિત સમાજમાં સુરક્ષિત: વિદેશી આક્રમણો સામે દેશની ઓળખ ટકાવી રાખવા બદલ RSS વડાએ વંદન કર્યા
હજારો વર્ષના સંઘર્ષ અને અત્યાચારો છતાં મૂળભૂત ભારતીય મૂલ્યોનું જતન કરનાર વંચિત સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવા અનિવાર્ય: કર્મયોગી પુરસ્કાર સમારોહમાં મોહન ભાગવત અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં સેવાનો મંત્ર ગુંજ્યો

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે દેશની અસ્મિતા અને સંસ્કૃતિના રક્ષણમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના સમુદાયોના અતુલ્ય ફાળાને બિરદાવ્યો છે. શનિવારે આયોજિત 'કર્મયોગી પુરસ્કાર' સમારોહમાં તેમણે ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, સદીઓ સુધી ચાલેલા વિદેશી આક્રમણો અને પ્રતિકૂળ સંજોગો છતાં જો ભારતનો આત્મા આજે જીવંત હોય, તો તેનું સંપૂર્ણ શ્રેય આ સમુદાયોને જાય છે. ભાગવતે ઉમેર્યું કે આક્રમણકારોએ આ નૈતિક મૂલ્યોને મૂળમાંથી ઉખેડી નાખવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ આ સમુદાયોએ ભારે કિંમત ચૂકવીને પણ રાષ્ટ્રીય ઓળખને અકબંધ રાખી છે.
સેવાને માત્ર ફરજ ગણાવતા સંઘ પ્રમુખે સ્પષ્ટ કર્યું કે સમાજના વંચિત વર્ગોની મદદ કરવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે સમય જતાં શિક્ષિત અને કહેવાતા વિકસિત વર્ગો આ મૂળભૂત સમુદાયોથી દૂર થતા ગયા છે. આ સામાજિક અંતરને તાત્કાલિક દૂર કરી તેમને વિકાસની મુખ્ય પ્રવાહમાં જોડવા અને સમાન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ રાષ્ટ્રના નિર્માણ માટે અનિવાર્ય છે. અન્યને પ્રગતિમાં મદદ કરવાથી જ વ્યક્તિનો પોતાનો અને રાષ્ટ્રનો વાસ્તવિક ઉદ્ધાર શક્ય છે.
વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન વિશ્વ જે ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે, તેમાં માત્ર એક મજબૂત અને આત્મનિર્ભર ભારત જ સ્થિરતા લાવી શકે છે. ભારતની આળખ તેના આદિવાસી અને વંચિત સમુદાયોમાં જ સુરક્ષિત રહી છે, જે સાચા અર્થમાં હિન્દુ સમાજના સ્થાયી સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આહવાન કર્યું કે દેશે હવે માત્ર પોતાના પ્રશ્નો ઉકેલવા પૂરતું સીમિત ન રહીને, સમગ્ર વિશ્વને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે એક મજબૂત પાયા તરીકે ઉભરી આવવું પડશે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
