News of Friday, 17th July 2026
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનનો ઇમિગ્રન્ટ્સ પર મોટો પ્રહાર : સરકારી સહાય મેળવતા વિદેશી નાગરિકોને ગ્રીન કાર્ડ આપવા પર પ્રતિબંધ લાદતી નીતિ ફરી લાગુ કરાઈ
ફૂડ સ્ટેમ્પ્સ અને હાઉસિંગ વાઉચર જેવી સરકારી સુવિધાઓનો ઉપયોગ કરનારાઓની કાયમી નાગરિકતાની અરજીઓ ફગાવી દેવાની ઇમિગ્રેશન અધિકારીઓને મળી વ્યાપક સત્તા : લાખો ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાશે

વોશિંગ્ટન:અમેરિકામાં કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર સિકંજો કસવાના ભાગરૂપે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગુરુવારે એક અત્યંત મહત્વનો અને મોટો નીતિગત ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તે જૂની નીતિને ફરીથી જીવંત કરી દીધી છે જે અંતર્ગત ઇમિગ્રેશન અધિકારીઓને એવી વ્યક્તિઓને ગ્રીન કાર્ડ (કાયમી રહેઠાણની મંજૂરી) આપવાનો ઇનકાર કરવાની વ્યાપક સત્તા મળે છે, જેઓ ભવિષ્યમાં જાહેર સહાય કે સરકારી યોજનાઓ પર નિર્ભર રહે તેવી સંભાવના હોય. પ્રશાસનના આ મોટા પગલાના કારણે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે આવી સરકારી યોજનાઓનો લાભ લેતા લાખો ઇમિગ્રન્ટ્સ હવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ઇમિગ્રન્ટ્સના હિત માટે કામ કરતા સંગઠનો અને કાર્યકરો દ્વારા ટ્રમ્પ સરકારના આ નિર્ણયની તીવ્ર શબ્દોમાં આલોચના કરવામાં આવી છે. સામાજિક સંસ્થાઓનું કહેવું છે કે આ નીતિના કારણે અનેક પરિવારો પાત્રતા હોવા છતાં પણ ફૂડ સ્ટેમ્પ્સ કે હાઉસિંગ વાઉચર જેવી મદદ લેતા અટકાશે, જેની સીધી અને નકારાત્મક અસર અમેરિકામાં જન્મેલા તેમના માસૂમ બાળકો પર પડી શકે છે. આ નવા નિયમોના કારણે વિદેશી પરિવારોએ કાં તો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે સરકારી યોજનાઓનો લાભ લેવો પડશે અથવા ગ્રીન કાર્ડ રિજેક્ટ થવાનું જોખમ ઉઠાવવું પડશે, તેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાની નોબત આવી છે.
બાઇડેન સરકારનો નિયમ રદ્દ કરાયો:
અમેરિકી કાયદામાં લાંબા સમયથી એવી જોગવાઈ છે કે જે ઇમિગ્રન્ટ્સ સરકાર પર નિર્ભર રહે છે અથવા તો 'પબ્લિક ચાર્જ' બને છે, તેમને ગ્રીન કાર્ડ આપી શકાતું નથી. ઇતિહાસમાં અત્યાર સુધી ઇમિગ્રેશન અધિકારીઓ માત્ર કેશ આસિસ્ટન્સ (રોકડ સહાય) અથવા લાંબા ગાળાની સંસ્થાકીય સારસંભાળ જેવી સુવિધાઓને જ ધ્યાનમાં લેતા હતા, પરંતુ ફૂડ સ્ટેમ્પ્સ કે મેડિકેડ જેવી સુવિધાઓને તેમાં ગણવામાં આવતી નહોતી. ટ્રમ્પ પ્રશાસને તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ આ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ તે સમયે કાનૂની પડકારો અને ત્યારબાદ આવેલી બાઇડેન સરકારે આ નીતિ ઉલટાવી દીધી હતી. હવે ટ્રમ્પ સરકારે પોતાના આખરી નિયમમાં બાઇડેન શાસનકાળના તે નિયમને રદ્દ કરી દીધો છે જે અધિકારીઓના હાથ બાંધતો હતો.
આત્મનિર્ભરતાના સિદ્ધાંતને પુનઃસ્થાપિત કરવાનો દાવો:
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ કરીને આ નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું છે. વિભાગે જણાવ્યું છે કે અમેરિકા એ મૂળભૂત સિદ્ધાંતને પુનઃસ્થાપિત કરી રહ્યું છે કે ઇમિગ્રન્ટ્સ પોતાના ખર્ચે આત્મનિર્ભર હોવા જોઈએ. અમે આત્મનિર્ભરતાની જરૂરિયાતને પુનઃપુષ્ટ કરી રહ્યા છીએ, જેથી જાહેર સંસાધનોનું રક્ષણ થઈ શકે અને કઠોર પરિશ્રમ કરતા અમેરિકી કરદાતાઓ પર બોજ બનતી અને પરાવલંબનને પ્રોત્સાહન આપતી નીતિઓનો અંત લાવી શકાય.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
