<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ટ્રમ્‍પની ફજેતી થઇઃ વર્લ્‍ડ કપ સેલિબ્રેશનમાં નાંખ્‍યું વિઘ્‍નઃ ટ્રોફી આપ્‍યા પછી પણ ન છોડયું સ્‍ટેજ

માન ન માન મૈં તેરા મહેમાન...કેમેરાની લાઇમલાઇટમાં આવવાના ચક્કરમાં તેમણે સ્‍પેનિશ ટીમનું આખુ સેલિબ્રેશન જ ખરાબ કરી નાંખ્‍યું

ન્‍યૂ જર્સી,તા.૨૦: ફીફા વર્લ્‍ડ કપ ૨૦૨૬ના મહામુકાબલામાં આર્જેન્‍ટિનાને ૧-૦ થી ધૂળ ચટાવી સ્‍પેને ઇતિહાસ રચી દીધો પરંતુ આ ઐતિહાસિક ક્ષણની મજા એ સમયે ખરાબ થઇ ગઇ જ્‍યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સ્‍ટેજ પર અચાનક વણજોઇતા મહેમાન બનીને ટપકી પડ્‍યા. સોશિયલ મીડિયા પર ર્ટ્‍મ્‍પની આ ચેષ્ટાને લઇને તેમની ભારે ફજેતી થઇ રહી છે અને ફેન્‍સનો આરોપ છે કે કેમેરાની લાઇમલાઇટમાં આવવાના ચક્કરમાં તેમણે સ્‍પેનિશ ટીમનું આખુ સેલિબ્રેશન જ ખરાબ કરી નાંખ્‍યું.

ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૬ના ફાઇનલમાં અર્જેન્‍ટીના સામે સ્‍પેનની ૧-૦થી જીત બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ટ્રોફી સેરેમની દરમિયાન બળજબરીથી સ્‍ટેજ પર ઉભા રહ્યા હતા, જેના કારણે સ્‍પેનિશ ખેલાડીઓની ઐતિહાસિક વિજયી ઉજવણીનો આનંદ ફિક્કો પડી ગયો. ફેન્‍સને અમેરિકા જેવા મોટા દેશના પ્રમુખ પાસેથી આવી આશા ન હતી.

મેક્‍સિકોના પ્રમુખ અને કેનેડાના વડાપ્રધાન જેવા VIP મહેમાનો ટ્રોફી આપ્‍યા પછી તરત જ સ્‍ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ ટ્રમ્‍પ મેડલ અને ટ્રોફી સોંપ્‍યા પછી પણ જાણીજોઈને ફૂટેજ અને કેમેરામાં આવવા માટે સ્‍ટેજ પર જ ઉભા રહ્યા. જાણે કે તેમને આ આખી ક્ષણનું ફૂટેજ એકલાને જ જોઈતું હોય!

સ્‍પેનના કેપ્‍ટન રોડ્રિને ટ્રોફી સોંપ્‍યા પછી જ્‍યારે ટીમ ઉજવણી શરૂ કરવાની રાહ જોઈ રહી હતી, ત્‍યારે ટ્રમ્‍પ ખેલાડીઓની વચ્‍ચે જમણી બાજુ આગળ આવ્‍યા. પરિસ્‍થિતિ એટલી અસહજ થઈ ગઈ કે ફીફા અધ્‍યક્ષ ગિયાની ઈન્‍ફેન્‍ટિનોને પોતે આગળ આવીને તેમને ત્‍યાંથી ખસી જવાનો ઈશારો કરવો પડ્‍યો. અંતે ગિયાની ઈન્‍ફેન્‍ટિનો ટ્રમ્‍પ પાસે આવ્‍યા અને તેમને ત્‍યાંથી હટાવ્‍યા.

સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રમ્‍પ અને ઈન્‍ફેન્‍ટિનો સ્‍પેનને ટ્રોફી આપે છે. પછી ઈન્‍ફેન્‍ટિનો જતા રહે છે અને ટ્રમ્‍પ ત્‍યાં જ ઊભા રહે છે. ટ્રમ્‍પ પોતાની મસ્‍તીમાં હસી રહ્યા છે અને સ્‍પેનના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા રહે છે. તેઓ ફરી ત્‍યાં જ ઊભા રહે છે અને હસતા-હસતા તાલીઓ પાડે છે. ઈન્‍ફેન્‍ટિનો રાહ જોઈ રહ્યા હોય છે કે ટ્રમ્‍પ નીચે આવશે, પરંતુ તેઓ આવતા નથી અને સ્‍ટેજ પર જ ફરતા રહે છે.

જેવા જ સ્‍પેનના કેપ્‍ટને હવામાં ટ્રોફી ઊંચકી અને આકાશમાં કોન્‍ફેટી (રંગબેરંગી કાગળના ટુકડા) ઊડવા લાગ્‍યા, ટ્રમ્‍પ ત્‍યાં જ ઊભા રહીને ઈન્‍ફેન્‍ટિનો સાથે ગપ્‍પાં મારતા જોવા મળ્‍યા. જેના કારણે ફોટોગ્રાફર્સ અને ખેલાડીઓના ઐતિહાસિક વિજયી શોટવાળા ફ્રેમમાં તેઓ એક વણજોઇતા મહેમાનની જેમ ચોંટી ગયા. ટ્રમ્‍પના આ એટેન્‍શન-સીકિગ (ધ્‍યાન ખેંચવાના) વર્તન પર દુનિયાભરના ફૂટબોલ ફેન્‍સ ભડકી ઊઠ્‍યા છે અને સોશિયલ મીડિયા પર તેમની ભારે ફજેતી થઈ રહી છે. લોકોએ યાદ અપાવ્‍યું કે ૨૦૨૫ના ક્‍લબ વર્લ્‍ડ કપમાં પણ ચેલ્‍સીના ફાઇનલ જીત્‍યા બાદ ટ્રમ્‍પે બિલકુલ આવી જ હરકત કરી હતી

(2:25 PM IST)