<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

પાકિસ્તાનની 'ડબલ ગેમ'નો ટ્રમ્પે કર્યો પર્દાફાશ: ઇરાન મામલે મધ્યસ્થી હોવાના ઇસ્લામાબાદના દાવાઓનો અમેરિકી રાષ્ટ્રપતિએ ચીનથી પરત ફરતા જ ઉડાવ્યો ફિયાસ્કો

વૈશ્વિક મંચ પર મહાસત્તા તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આર્થિક સંકટથી ઘેરાયેલું પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી નાટક કરી રહ્યું હોવાનો યુએસ મીડિયાના અહેવાલો બાદ ટ્રમ્પના સત્તાવાર નિવેદનથી ખુલ્લો પડ્યો માસ્ક

વૉશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિમાં મોટો ધડાકો કરતા પાકિસ્તાનની કૂટનીતિનો ભાંડો ફોડી દીધો છે. ઇરાન સાથેના તણાવ અને યુદ્ધવિરામ અંગે પત્રકારોના તીખા પ્રશ્નોના જવાબો આપતી વખતે ટ્રમ્પે ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરીને ઇસ્લામાબાદની વાસ્તવિક સ્થિતિ જગજાહેર કરી દીધી છે. તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર કરેલા ઉપકારનો સ્પષ્ટ સ્વીકાર કરીને આડકતરી રીતે ઇસ્લામાબાદ પાયાના સ્તરે કેટલું લાચાર છે તેનો આખી દુનિયા સામે ચિતાર રજૂ કરી દીધો છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ જણાવ્યું કે તેઓ સામાન્ય રીતે કોઈના પર વગર વિચારે ઉપકાર કરવામાં માનતા નથી, કારણ કે આજના સમયમાં લોકો પરસ્પર સ્વાર્થ અને બદલાની ભાવનાથી જ કામ કરતા હોય છે. પરંતુ જ્યારે પાકિસ્તાન તરફથી લશ્કરી વડા જનરલ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ ખુદ તેમની પાસે આવ્યા અને વિનંતી કરી, ત્યારે તેમણે આજીજીને માન આપીને પર્સિયન ગલ્ફ દેશો પર વધુ બોમ્બમારો ન કરવાનો લશ્કરી નિર્ણય લીધો હતો.

ટ્રમ્પના આ સનસનાટીપૂર્ણ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થી તરીકેની જે છબી ઉભી કરવામાં આવી રહી હતી, તે માત્ર એક રાજદ્વારી કવાયત હતી. અમેરિકાએ પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર થોડી જગ્યા આપવા માટે જ આ નમ્રતા દાખવી હતી. આ સાથે જ વ્હાઇટ હાઉસે ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા નેધરલેન્ડ કે અન્ય કોઈ પ્લેટફોર્મની પરવા કર્યા વગર તેહરાનને પરમાણુ હથિયારો બનાવતા અટકાવવા માટે યુરેનિયમનો જથ્થો સદંતર નાબૂદ કરવાની કડક તાકીદ કરી છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિદૂત હોવાનો દાવો કરતું પાકિસ્તાન છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત વૈશ્વિક સ્તરે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે. તાજેતરમાં જ યુએસ મીડિયામાં એવા સબળ પુરાવા સામે આવ્યા હતા કે ઇસ્લામાબાદ પોતાના નૂર ખાન એરબેઝ પર ગુપ્ત રીતે ઇરાની લશ્કરી વિમાનોને આશ્રય આપી રહ્યું છે. જો કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા, પરંતુ સંરક્ષણ વિશ્લેષકો માને છે કે ઇસ્લામાબાદ શાંતિ મંત્રણાના નામે બંધ બારણે અંધારું રમી રહ્યું છે.

બીજી તરફ આ વિવાદમાં ખુદ ઇરાને પણ પાકિસ્તાનની પીઠ પાછળ ખંજર ભોંકતા સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની ધરતી પર યોજાયેલી કેટલીક આંતરરાષ્ટ્રીય બેઠકો સાથે તેહરાનને કોઈ લેવાદેવા નથી. ઇરાનના આ સત્તાવાર ઇનકાર બાદ પાકિસ્તાનની મધ્યસ્થી બનવાની હવા નીકળી ગઈ છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે પાકિસ્તાન આ પ્રકારની જોખમી રમત માત્ર પોતાની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક મંચ પરથી લુપ્ત થતી વિશ્વસનીયતાને બચાવવા માટે જ રમી રહ્યું છે.

હાલમાં પાકિસ્તાન આર્થિક નાદારી, મોંઘવારી અને આતંકવાદને આશ્રય આપવાના ગંભીર આરોપોથી ખદબદી રહ્યું છે. વિદેશી હૂંડિયામણની તીવ્ર અછત વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રાસંગિકતા સાબિત કરવા માટે તેની પાસે આવા કોસ્મેટિક એટલે કે ઉપરછલ્લા રાજદ્વારી નાટકો સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ટ્રમ્પના આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે પાકિસ્તાન માટે વૈશ્વિક સંગઠનો સામે મોં બતાવવું મુશ્કેલ બનશે તે નક્કી છે.

(12:29 AM IST)