તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ટ્રમ્પને આંચકો,...બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત રાજકીય જૂથ આઠમાંથી છ દેશમાં ચૂંટણી હાર્યા...
આ દેશોમાં રોમાનિયા,હોન્ડુરાસ, હંગેરી, બ્રાઝિલ, જાપાન, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે

વોશિંગ્ટન,તા.૨૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર સુધીમાં વિશ્વના આઠ દેશોમાં યોજાયેલી ચૂંટણીઓમાં પોતાના પસંદગીના ઉમેદવારો કે રાજકીય જૂથોને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ તેમ છતાં તેમાંથી છ દેશોમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ દેશોમાં રોમાનિયા,હોન્ડુરાસ, હંગેરી, બ્રાઝિલ, જાપાન, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આમ છેલ્લાં બે વર્ષનાં ચૂંટણી પરિણામો તેમના માટે એક આંચકા સમાન સાબિત થયાં છે.
ટ્રમ્પના સમર્થકોએ આઠ દેશોમાં યોજાયેલી ચૂંટણીઓ અંગે પોતાની પસંદગી વ્યક્ત કરી હતી. આ અંગે ઉપલબ્ધ માહિતી અનુસાર જાપાન અને હોન્ડુરાસમાં તેમણે જે પક્ષ કે ઉમેદવારને સમર્થન આપ્યું હતું તેનો વિજય થયો હતો. જ્યારે અન્ય છ દેશોમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે. શું ટ્રમ્પની લોકપ્રિયતા અને અમેરિકાનો પ્રભાવ હવે અન્ય દેશોના મતદારોને તે રીતે પ્રભાવિત કરવામાં સક્ષમ નથી, જે રીતે તેઓ ભૂતકાળમાં હતા.
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિની અસર અનેક દેશોમાં યોજાયેલી ચૂંટણીઓમાં જોવા મળી હતી. કેનેડામાં તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલિવરેને સમર્થન આપ્યું હતું. પરંતુ લિબરલ પાર્ટીના માર્ક કાર્નીનો વિજય થયો હતો. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અને કેનેડામાં અમેરિકા ભેળવવાની ધમકીઓ ચૂંટણીમાંમુખ્ય મુદ્દો બન્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં પણ એન્થોની અલ્બાનીઝની લેબર પાર્ટીનો વિજય થયો હતો. જોકે ત્યાંની ચર્ચાઓમાં ટ્રમ્પની રાજકીય શૈલી સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ સામેલ હતા. આ ઉપરાંત રોમાનિયામાં ટ્રમ્પના સમર્થક ગણાતા જ્યોર્જ સિમિયોન રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા. તેમને નિકુશોર ડેને હરાવ્યા હતા. જેમણે લગભગ ૫૪ ટકા મત મેળવ્યા હતા.
જર્મનીમાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓનું સમર્થન મળવા છતાં જમણેરી પક્ષ 'એએફડી' સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. હંગેરીમાં ટ્રમ્પનું સમર્થન હોવા છતાં વિક્ટર ઓર્બાનના પક્ષને એપ્રિલ ૨૦૨૬ની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો.
હંગેરીમાં લાંબા સમયથી વડાપ્રધાન પદે રહેલા અને ટ્રમ્પના નજીકના સાથી વિક્ટર ઓર્બાનને પીટર મેગ્યારના નેતૃત્વ હેઠળના વિરોધ પક્ષે હરાવી દીધા હતા. ટ્રમ્પે ઓર્બાનને સમર્થન આપ્યું હતું અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ચૂંટણી પહેલાં હંગેરીની મુલાકાત પણ લીધી હતી. આમ છતાં ઓર્બાન સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા.
બ્રાઝિલમાં ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓએ બોલ્સોનારો પરિવારની સત્તામાં વાપસી કરાવવાના પ્રયાસો કર્યા હતા. તેમજ અમેરિકાના અધિકારીઓએ રાષ્ટ્રપતિ લુલા પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને એવા પગલાંની હિમાયત કરી હતી જેનાથી તેમના પુત્ર, ફલેવિયો બોલ્સોનારોને ફાયદો થાય. જોકે, ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લુલાએ ફલેવિયો બોલ્સોનારોને પરાજય આપ્યો હતો
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
