News of Friday, 1st May 2026
અમેરિકા-ઈરાન જંગમાં ટ્રમ્પ સરકાર મુશ્કેલીમાં: ₹24,000 કરોડના સૈન્ય સાધનો રાખ થઈ ગયાનો ધડાકો
CSIS થિંક ટેન્કના ચોંકાવનારા રિપોર્ટમાં દાવો: ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલામાં અમેરિકાનું શક્તિશાળી 'ફ્લાઈંગ કમાન્ડ સેન્ટર' અને THAAD રડાર સિસ્ટમ ધ્વસ્ત : ચૂંટણીને કારણે આંકડા છુપાવતી વ્હાઇટ હાઉસની સરકાર

વોશિંગ્ટન: ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાને અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક અને સૈન્ય નુકસાન વેઠવું પડ્યું છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' (CSIS) ના તાજેતરના અહેવાલ મુજબ, ઈરાની મિસાઈલ, ડ્રોન હુમલા અને કેટલીક 'ફ્રેન્ડલી ફાયરિંગ' (પોતાની જ સેનાની ભૂલથી થયેલું ફાયરિંગ) ની ઘટનાઓમાં અમેરિકાએ આશરે ₹23,700 કરોડ (અંદાજે $2.8 બિલિયન) ના અત્યાધુનિક લશ્કરી સાધનો ગુમાવ્યા છે. આ આંકડો માત્ર હવાઈ સંસાધનોનો છે, જેમાં નૌકાદળના જહાજો કે જમીન પરના સૈન્ય મથકોના નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો તેને ઉમેરવામાં આવે તો નુકસાનનો આંકડો કલ્પના બહાર જઈ શકે છે.
સમાચારની વિગત મુજબ, 26 માર્ચે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે કેબિનેટ બેઠકમાં બડાશ મારી હતી કે ઈરાનની સેના ઇતિહાસમાં સૌથી ઝડપથી નબળી પડી છે. પરંતુ તેના 24 કલાકની અંદર જ ઈરાને સાઉદી અરેબિયાના 'પ્રિન્સ સુલતાન' એરબેઝ પર ભયાનક વળતો પ્રહાર કર્યો હતો. આ હુમલામાં અમેરિકાનું ગર્વ સમાન ₹5,920 કરોડનું E-3 AWACS રડાર એરક્રાફ્ટ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ એરક્રાફ્ટ આકાશમાં ઉડતું કમાન્ડ સેન્ટર હતું, જે સેંકડો કિલોમીટર દૂરથી દુશ્મનને ટ્રેક કરતું હતું. આ સિવાય, ઈરાને ₹4,100 કરોડથી વધુની કિંમતના THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ના રડારને પણ નિશાન બનાવીને અમેરિકાની સુરક્ષા કવચમાં ગાબડું પાડ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ભારે નુકસાનની વિગતો દેશની જનતાથી છુપાવી રહ્યું છે. જોકે યુદ્ધ મેદાનમાં ઓપરેશનલ સફળતા મળી હોવાનો દાવો કરાય છે, પરંતુ વ્યૂહાત્મક રીતે અમેરિકા 2003 ના ઇરાક યુદ્ધ જેવી જ ભૂલ કરી રહ્યું હોય તેમ જણાય છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલ પરિવહન રોકાઈ જવાથી અને ગલ્ફ દેશોમાં ઈરાની હુમલાઓને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે. હાલમાં યુદ્ધ ચાલુ છે અને બંને પક્ષો વચ્ચે સમાધાનના કોઈ સંકેત દેખાતા નથી, જેના કારણે નુકસાનનો આંકડો હજુ વધી શકે છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
