<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અમેરિકા ભણવા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ સરકારનો મોટો ઝટકો: સ્ટુડન્ટ વિઝાની મુદત 4 વર્ષ સુધી મર્યાદિત કરી, ગ્રેસ પિરિયડ પણ અડધો કર્યો!

દાયકાઓ જૂની 'સ્ટેટસનો સમયગાળો' સિસ્ટમ નાબૂદ; હવે પીએચડી અને સંશોધન કરતા લાખો ભારતીય વિદ્યાર્થીઓએ દર વર્ષે સરકારી પરવાનગી માટે ધક્કા ખાવા પડશે

ગાંધીનગર, તા.૧૭: અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ત્યાં જ કરિયર બનાવવાનું સપનું જોતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દાયકાઓમાં યુએસ સ્ટુડન્ટ વિઝા પ્રણાલીમાં સૌથી મોટો અને કડક ફેરફાર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નવી નીતિ હેઠળ હવે વિદેશી વિદ્યાર્થીઓ ફેડરલ સરકારની વિશેષ મંજૂરી વગર ૪ વર્ષથી વધુ સમય માટે અમેરિકામાં રહી શકશે નહીં. આ કડક કાયદો આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી લાગુ થવા જઈ રહ્યો છે, જેની સૌથી ગંભીર અસર યુએસમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.
અત્યાર સુધી અમેરિકામાં 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' (D/S) ફ્રેમવર્ક અમલમાં હતું. આ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓ જ્યાં સુધી યુનિવર્સિટીમાં ફૂલ-ટાઇમ ભણતા રહે, ત્યાં સુધી તેમના રહેવા પર કોઈ નિશ્ચિત સમયસીમા નહોતી. આ સુગમતાને કારણે વિદ્યાર્થીઓ આરામથી પોતાના કોર્સ બદલી શકતા, અંડરગ્રેજ્યુએટમાંથી પોસ્ટગ્રેજ્યુએટમાં પ્રવેશી શકતા અને ભણતર પૂરું થયા બાદ વ્યાવસાયિક તાલીમ (OPT) મેળવી શકતા હતા. પરંતુ હવે ટ્રમ્પ સરકારે આ આઝાદી છીનવી લીધી છે અને ફિક્સ ૪ વર્ષનો નિયમ લાવી દીધો છે. એટલું જ નહીં, ભણવાનું પૂરું થયા પછી દેશ છોડવા માટે મળતો ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ પણ ઘટાડીને માત્ર ૩૦ દિવસનો કરી દેવાયો છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેમ છે આ 'ખરાબ સમાચાર'?
હાલમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો છે. 'ઓપન ડોર્સ ૨૦૨૪'ના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૩.૩૧ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં નોંધાયેલા હતા, જે કુલ વિદેશી વિદ્યાર્થીઓના અંદાજે ૩૦ ટકા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ લાંબા ગાળાના મેડિકલ, પીએચડી (Doctoral Research) અથવા ટેકનિકલ માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાયેલા છે, જે સામાન્ય રીતે ૪ વર્ષ કરતાં વધુ ચાલે છે. હવે આ વિદ્યાર્થીઓએ કાનૂની દરજ્જો જાળવી રાખવા માટે વધારાની કાગળગીરી, બાયોમેટ્રિક્સ અને લાંબી સરકારી ચકાસણીમાંથી પસાર થવું પડશે. નિષ્ણાતોના મતે, આનાથી વિદ્યાર્થીઓ પર માનસિક અને વહીવટી બોજ અસહ્ય બની જશે.
અમેરિકાએ વિઝા નિયમો કેમ કડક કર્યા?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ આ પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝાના દુરુપયોગને મુખ્ય કારણ ગણાવ્યું છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે, "દાયકાઓથી વિદેશી વિદ્યાર્થીઓને અનિશ્ચિત સમય માટે યુએસમાં રહેવાની છૂટ હતી, જેનો દુરુપયોગ કરીને હજારો લોકો અમેરિકા છોડવાનું ટાળવા માટે સતત નવા-નવા અભ્યાસક્રમોમાં નોંધણી કરાવ્યા રાખતા હતા." આ છેતરપિંડી અને વિઝા ઓવરસ્ટે રોકવા માટે આ પગલું અનિવાર્ય હતું. જો કે, એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેટર્સે આ નીતિને 'ગેરમાર્ગે દોરેલી અને બિનજરૂરી' ગણાવીને ટીકા કરી છે.
નિયમનું ઉલ્લંઘન કરનારાઓને ભવિષ્યમાં નો-એન્ટ્રી!
નવા નિયમો અત્યંત કડક છે. જો કોઈ વિદ્યાર્થી વહીવટી વિલંબ અથવા કાગળની ભૂલને કારણે તેના ૪ વર્ષ પુરા થતાં પહેલાં વિઝા એક્સટેન્શન મેળવી નહીં શકે, તો તેને તાત્કાલિક 'ગેરકાયદેસર નિવાસી' (Illegal Present) ગણી લેવામાં આવશે. ઇમિગ્રેશન ફર્મ ફ્રેગોમેનના જણાવ્યા અનુસાર, આવા વિદ્યાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને ભવિષ્યમાં તેમના અમેરિકા જવા પર કાયમી પ્રતિબંધ પણ લાગી શકે છે. તેથી, નિષ્ણાતો ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપી રહ્યા છે કે તેઓ પોતાના વિઝાની તારીખો પર સતત નજર રાખે અને કોર્સ લંબાય તેવી સ્થિતિમાં અગાઉથી જ એક્સટેન્શન માટે અરજી કરી દે.

(4:30 PM IST)