તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 27th July 2026
ટ્રમ્પ સરકારનો સાયબર ક્રાઇમ સામે મોટો નિર્ણય : નવા વિઝા પ્રતિબંધોની જાહેરાત
અમેરિકન નાગરિકો સાથે અબજો ડોલરની છેતરપિંડી કરનારા વિદેશી ગુનેગારો માટે હવે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં. પરંતુ તેમના પરિવારજનો માટે પણ અમેરિકાનો રસ્તો મુશ્કેલ બની શકે

અમેરિકામાં સાયબર ક્રાઇમ સામે હવે એવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી દુનિયાભરના ઓનલાઈન ઠગો પર સીધી અસર પડી શકે છે. અમેરિકન નાગરિકો સાથે અબજો ડોલરની છેતરપિંડી કરનારા વિદેશી ગુનેગારો માટે હવે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં. પરંતુ તેમના પરિવારજનો માટે પણ અમેરિકાનો રસ્તો મુશ્કેલ બની શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગુનાઓ સામે કડક પગલું ભરતાં નવી વિઝા પ્રતિબંધ નીતિ જાહેર કરી છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોના જણાવ્યા અનુસાર, અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી, રોકાણ કૌભાંડ અને સેક્સટોર્શન જેવા ગુનાઓમાં સામેલ વિદેશી નાગરિકોને હવે અમેરિકાનો વિઝા નકારવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે નવી નીતિનો વ્યાપ માત્ર આરોપી ગુનેગારો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ આ પ્રતિબંધ હેઠળ લાવવામાં આવી શકે છે.
અમેરિકામાં સાયબર છેતરપિંડીના કારણે 2024 દરમિયાન સામાન્ય નાગરિકોને 12.5 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું. તેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ઓનલાઈન કૌભાંડના મોટા ભોગ બન્યા હતા. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક આંતરરાષ્ટ્રીય અને ચીની ગુનાહિત નેટવર્ક્સ નકલી સંબંધો, રોકાણ યોજનાઓ અને અન્ય ઓનલાઈન કૌભાંડો દ્વારા અમેરિકનો પાસેથી મોટી રકમ પડાવી રહ્યા છે. આ નેટવર્ક્સ પર મની લોન્ડરિંગ અને માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હોવાના પણ આક્ષેપો છે.
અમેરિકી સરકારનું કહેવું છે કે સાયબર ગુનેગારો સામે કાર્યવાહી માત્ર વિઝા પ્રતિબંધ સુધી મર્યાદિત રહેશે નહીં. જરૂર પડે ત્યારે આર્થિક પ્રતિબંધો, સંપત્તિ જપ્તી, ફોજદારી કાર્યવાહી અને પ્રત્યાર્પણ જેવા પગલાં પણ લેવામાં આવશે. તાજેતરમાં ક્રિપ્ટોકરન્સી કૌભાંડ સાથે જોડાયેલા 35 વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને અમેરિકન નાગરિકો સાથે સાયબર છેતરપિંડી કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
