<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય: ઢીલાશ રાખનારા ઈમિગ્રેશન જજ હવે ઘરભેગા થશે, લાખો પેન્ડિંગ કેસ ઉકેલી ડિપોર્ટેશન પ્રક્રિયા તેજ બનાવવાની તૈયારી

ન્યાય વિભાગનો સપાટો: સહાનુભૂતિ કે વિલંબ સહન નહીં કરાય, કાયદાનું કડક પાલન નહીં કરનારા ન્યાયાધીશોની જગ્યાએ નવી નિમણૂકોનો દોર શરૂ

ફીનિક્સ, તા.૦૭: અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ (Deportation) કરવાની ગતિ તેજ બનાવવા માટે હવે ન્યાયતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કાર્યકારી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જે ઈમિગ્રેશન જજ કામમાં ઢીલાશ રાખશે અથવા કાયદાને બદલે પોતાની 'સહાનુભૂતિ' ના આધારે ચુકાદા આપશે, તેમને પદ પરથી હટાવવામાં આવશે. હાલમાં અમેરિકાની ઈમિગ્રેશન કોર્ટમાં ૩૭ લાખથી વધુ કેસો પેન્ડિંગ છે, જેને ઉકેલવા સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
ફીનિક્સમાં આયોજિત 'બોર્ડર સિક્યુરિટી એક્સપો' માં સંબોધન કરતા ટોડ બ્લાન્ચે જણાવ્યું હતું કે, "ન્યાયાધીશોએ કાયદાના શપથ લીધા છે. તેઓ પોતાની મરજી કે વ્યક્તિગત દયાના આધારે નિર્ણયો લઈ શકે નહીં. જો કોઈ જજ જાણીજોઈને કેસમાં વિલંબ કરે છે અથવા અસ્વીકાર્ય રીતે બેકલોગ વધારે છે, તો અમે તેમના સ્થાને નવા જજોની નિમણૂક કરીશું." ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં ડઝનબંધ ઈમિગ્રેશન જજોને હટાવવામાં આવ્યા છે, જેમના પર આક્ષેપ હતો કે તેઓ એસાઈલમ (આશ્રય) ના કેસોમાં જરૂર કરતા વધુ ઉદારતા દાખવી રહ્યા હતા.
કોર્ટ હવે 'ટ્રેપ' સમાન: સુનાવણી માટે આવતા જ ધરપકડ
બીજી તરફ, માનવ અધિકાર કાર્યકરો અને ટીકાકારો આ પગલાંને ન્યાયિક પ્રક્રિયાનું દમન ગણાવી રહ્યા છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સરકાર ન્યાય અને ચોકસાઈને બદલે માત્ર ઝડપ અને અમલીકરણ પર ભાર મૂકી રહી છે. ઘણી જગ્યાએ એવી સ્થિતિ સર્જાઈ છે કે માઈગ્રન્ટ્સ જ્યારે નિયમિત સુનાવણી માટે કોર્ટમાં હાજર થાય છે, ત્યારે ત્યાં હાજર માસ્ક પહેરેલા અધિકારીઓ તેમને હથકડી પહેરાવી અટકાયતમાં લઈ લે છે.
નાગરિકતા છીનવવાની પ્રક્રિયા પણ તેજ થઈ
માત્ર ડિપોર્ટેશન જ નહીં, પણ જે લોકોએ છેતરપિંડી કરીને અમેરિકન નાગરિકતા મેળવી છે તેમની સામે 'ડીનેચરાઈઝેશન' (Denaturalization) પ્રક્રિયા પણ આક્રમક રીતે શરૂ કરવામાં આવી છે. ૧૯૯૦ થી ૨૦૧૭ વચ્ચે આવા માત્ર જૂજ કિસ્સાઓ બનતા હતા, પરંતુ હવે ટ્રમ્પ સરકાર આ સાધનોનો ઉપયોગ કરીને સિસ્ટમને સાફ કરવા માંગે છે. બ્લાન્ચે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી ભરતી કરાયેલા જજોને કડક તાલીમ આપવામાં આવી રહી છે અને તેઓ સરકારના એજન્ડા મુજબ ઝડપી ન્યાયની ખાતરી કરશે.

(3:11 PM IST)