તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ટ્રમ્પ સરકારના આકરા ગ્રીન કાર્ડ નિયમમાં ભારતીયો માટે મોટું આશ્વાસન: અમેરિકામાં કાયમી વસવાટનું સપનું જોતા વ્યાવસાયિકોને દેશ છોડવામાંથી મુક્તિ મળવાની પ્રબળ શક્યતા!
યુએસ પ્રશાસને ૪૮ કલાકમાં જ નિયમો સ્પષ્ટ કર્યા; દેશના આર્થિક હિત અને રાષ્ટ્રીય હિતમાં કામ કરતા H-1B વિઝાધારકો અમેરિકામાં રહીને જ પ્રક્રિયા પૂરી કરી શકશે, લાખો આઇટી પ્રોફેશનલ્સને જબરદસ્ત રાહત

વોશિંગ્ટન : યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) માં કાયમી વસવાટ અને રોજગારી માટે ગ્રીન કાર્ડની લાંબી કતારમાં ઉભેલા લાખો ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહતના અને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ કડક બનાવતા અને વિદેશીઓને ગ્રીન કાર્ડની પ્રક્રિયા માટે ફરજિયાત પોતાના વતન પાછા ફરવાના આદેશ બાદ સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ હતી. જોકે, આ વિવાદાસ્પદ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ યુએસ પ્રશાસન દ્વારા એક મહત્વની સ્પષ્ટતા જારી કરવામાં આવી છે, જે અંતર્ગત કુશળ ભારતીય વ્યાવસાયિકોની એક પસંદગીની શ્રેણીને આ આકરા નિયમમાંથી મોટી મુક્તિ (Exemption) મળવાની જાહેરાત કરાઈ છે.
આ રાહત અંગે સત્તાવાર માહિતી આપતા 'યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ' (USCIS) ના મુખ્ય પ્રવક્તા ઝેક કાહલરે શનિવારે જણાવ્યું હતું કે, જે પરદેશી નાગરિકોની વ્યાવસાયિક લાયકાત કે અરજીઓ યુનાઇટેડ સ્ટેટ્સને સીધો આર્થિક લાભ પૂરો પાડે છે અથવા અમેરિકાના રાષ્ટ્રીય હિત (National Interest) ની રક્ષા કરે છે, તેમને આ પ્રસ્તાવિત ફેરફારોમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા પ્રતિભાશાળી લોકોએ પોતાની પ્રક્રિયા પૂરી કરવા માટે અમેરિકા છોડીને વતન પાછા જવાની જરૂર નથી, તેઓ પોતાના વર્તમાન માર્ગ પર યુએસમાં રહીને જ આગળ વધી શકશે. જ્યારે બિન-જરૂરી અથવા અન્ય સામાન્ય શ્રેણીના લોકોને તેમની વ્યક્તિગત પરિસ્થિતિના આધારે વિદેશમાંથી અરજી કરવા માટે કહેવામાં આવી શકે છે.
H-1B વિઝાધારકો માટે કેમ મહત્ત્વનો છે આ નિર્ણય?
અમેરિકા સરકારની આ સ્પષ્ટતા ખાસ કરીને ભારતના એ આઇટી (IT) એન્જિનિયર્સ અને ઉચ્ચ વ્યાવસાયિકો માટે સંજીવની સમાન સાબિત થશે જેઓ H-1B વિઝા પર વર્ષોથી ત્યાં સેવા આપી રહ્યા છે. વર્તમાન કાયદા મુજબ ભારતીય અરજદારોને ગ્રીન કાર્ડ મેળવવા માટે ૧૦ થી ૧૫ વર્ષ જેટલો લાંબો વેઇટિંગ પિરિયડ (રાહ જોવાનો સમયગાળો) નડે છે. આવા સંજોગોમાં આટલા લાંબા સમય સુધી વતન ભારત પાછા આવીને ત્યાંથી ગ્રીન કાર્ડની પ્રક્રિયા કરવી રોકાણકારો, કંપનીઓ તેમજ ભારતીય પરિવારો માટે આર્થિક અને સામાજિક રીતે તદ્દન અશક્ય અને અવ્યવહારુ હતું. જૂની સિસ્ટમ મુજબ આ તમામ લોકો અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી અમેરિકામાં કાયદેસર રહી શકતા હતા, જે વ્યવસ્થા હવે આર્થિક લાભ આપતા પ્રોફેશનલ્સ માટે ચાલુ રખાશે.
ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિનો મુખ્ય હેતુ
વાસ્તવમાં, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડઝનેક દેશોના બિનકાયદેસર અને બિનજરૂરી પ્રવાસીઓ પર અંકુશ મેળવવા માટે આ શ્રેણીબદ્ધ કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. USCIS ના જણાવ્યા મુજબ, સ્ટુડન્ટ વિઝા (F-1), પ્રવાસી વિઝા કે અસ્થાયી કામદારો ચોક્કસ હેતુ અને મર્યાદિત સમય માટે જ યુએસ આવે છે, તેથી મુલાકાત પૂરી થતાં જ તેઓ પોતાના દેશ પરત ફરે તેવી આખી સિસ્ટમની પુનઃરચના થઈ રહી છે. જોકે, ભારતના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ડૉક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો અમેરિકાની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન હોવાથી વ્હાઇટ હાઉસ તેમના હિતોને નુકસાન પહોંચાડીને પોતાના દેશને આર્થિક ફટકો મારવા માંગતું નથી, જેના કારણે જ આ મહત્ત્વની મુક્તિની જાહેરાત કરવામાં આવી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
