News of Tuesday, 20th October 2026
રશિયા -યુક્રેન યુદ્ધની શાંતિ મંત્રણામાં પ્રગતિ ન થતાં ટ્રમ્પ અત્યંત ગુસ્સે અને નિરાશ: યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોનો ધડાકો
યુક્રેન સાથે સૈન્ય સહાય અને ઇન્ટેલિજન્સ શેરિંગ નીતિમાં કોઈ જ ફેરફાર કરાયો નથી : ટ્રમ્પ પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનો દાવો

નવી દિલ્હી : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો તાત્કાલિક અંત લાવવા માટેના તમામ પ્રયાસો અને શાંતિ મંત્રણાઓમાં અપેક્ષિત પ્રગતિ ન થવાને કારણે ટ્રમ્પ અત્યંત નિરાશ અને ગુસ્સે થયા છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અમેરિકાની યુક્રેન નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ટ્રમ્પ પર યુક્રેનને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના મુકાયેલા તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.
ભારતની મુલાકાતે આવેલા માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં દ્વિપક્ષીય વેપાર સોદા, ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક સુરક્ષાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીતમાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને અમેરિકી નીતિ પર વિદેશ નીતિ અંગેનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
રુબિયોએ મીડિયા રિપોર્ટ્સ અને ઝેલેન્સકીના નિવેદનોને નકારતા સ્પષ્ટ કર્યું કે યુક્રેનને અપાતી લશ્કરી સહાય, ઇન્ટેલિજન્સ શેરિંગ કે સ્ટારશીલ્ડ સેટેલાઇટ સિસ્ટમના ઉપયોગ પર કોઈ નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. ૧૩ અને ૧૮ ઓક્ટોબરના રોજ રશિયન હુમલાઓ દરમિયાન ઇન્ટેલિજન્સ ચેતવણી ન મળવાના દાવા અંગે તેમણે ઉમેર્યું કે તે માત્ર ટેકનિકલ કારણોસર થયું હતું, કોઈ આદેશ કે નિર્દેશના કારણે નહીં. આ ઉપરાંત વૈશ્વિક મિસાઈલ ઈન્ટરસેપ્ટર્સની અછત અને પેટ્રિયોટ સિસ્ટમ્સમાં વિલંબ પાછળ અમેરિકાના પોતાના વૈશ્વિક સૈન્ય બેઝની સુરક્ષા અને લઘુત્તમ જરૂરિયાતો જવાબદાર હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
રુબિયોએ ચેતવણી આપી હતી કે યુદ્ધ લંબાવવાથી દર મહિને ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ રશિયન સૈનિકો માર્યા જઈ રહ્યા છે, યુક્રેનનો પાવર ગ્રીડ ધ્વસ્ત થઈ રહ્યો છે અને સસ્તા ડીઝલની વૈશ્વિક અછતથી અનેક દેશોના અર્થતંત્ર સંકટમાં મુકાયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ શરૂઆતથી જ માને છે કે આ સંઘર્ષનો અંત માત્ર વાટાઘાટોથી જ શક્ય છે અને બંને પક્ષોને ટેબલ પર લાવવાના પ્રયાસો સતત ચાલુ રહેશે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
