News of Monday, 20th April 2026
ટ્રમ્પ-મુનીર સંવાદ અને હોર્મુઝનો હંગામો: શું ઈસ્લામાબાદ બનશે શાંતિનું કેન્દ્ર કે યુદ્ધનું મેદાન?
ટ્રમ્પ અને જનરલ મુનીર વચ્ચેની વાતચીતે મધ્ય પૂર્વમાં ખળભળાટ મચાવ્યો: 21 એપ્રિલની યુદ્ધવિરામની સમયમર્યાદા પહેલા હોર્મુઝની નાકાબંધી બની સૌથી મોટી આફત!

ઈસ્લામાબાદ: મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલી 'બેકચેનલ ડિપ્લોમસી' હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી સીધી વાતચીતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જનરલ મુનીરે ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા કરવામાં આવેલી નાકાબંધી હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી શાંતિ વાટાઘાટો માત્ર કાગળ પર જ રહેશે. બીજી તરફ, ટ્રમ્પ આ મુદ્દા પર વિચાર કરવાની ખાતરી તો આપી રહ્યા છે, પરંતુ તેમની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને ઈરાન પર લાદવામાં આવેલી આકરી શરતો વાટાઘાટોની ટેબલ પર મોટો અવરોધ બની રહી છે.
ઈસ્લામાબાદ અત્યારે છાવણીમાં ફેરવાઈ ગયું છે, કારણ કે નુરખાન એરબેઝ પર અમેરિકી સૈન્ય વિમાનોના ઉતરાણની સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. સમાચાર છે કે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર ટૂંક સમયમાં પાકિસ્તાન પહોંચવાના છે. રવિવારે જે રીતે એરબેઝની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી અને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા, તે સૂચવે છે કે કોઈ હાઈ-લેવલ મિટિંગની તૈયારીઓ ગુપ્ત રીતે ચાલી રહી છે. જોકે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પરમાણુ કાર્યક્રમ અને ટેકનિકલ અધિકારોના ભોગે કોઈ સમજૂતી નહીં કરે, જેના કારણે 21 એપ્રિલની 'ડેડલાઈન' પહેલા કોઈ ચમત્કાર થવાની આશા ધૂંધળી દેખાય છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ માત્ર ભૌગોલિક માર્ગ નથી, પરંતુ તે ઈરાન માટે અમેરિકાને દબાણમાં લાવવાનું સૌથી મોટું હથિયાર છે. લેબનોનમાં યુદ્ધવિરામ બાદ જે માર્ગ ખોલવાની સંભાવના હતી, તે હવે તેહરાને ફરીથી બંધ કરી દીધો છે. આ નાકાબંધીને કારણે વૈશ્વિક તેલ બજારમાં પણ અજંપો જોવા મળી રહ્યો છે. હવે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે કે શું તે ઈરાનના કડક વલણ અને ટ્રમ્પની આક્રમક રણનીતિ વચ્ચે કોઈ સુવર્ણ મધ્યમ માર્ગ કાઢી શકશે કે કેમ. જો 21 એપ્રિલ સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો આ કામચલાઉ શાંતિ ગમે ત્યારે મોટા જંગમાં પરિવર્તિત થઈ શકે છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
