તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
યુદ્ધની આડમાં ટ્રમ્પે કર્યો ખેલઃ ફેબ્રુઆરીમાં કરોડો ડોલરના શેર વેચી માર્ચમાં ફરી ખરીદી લીધા
અમેરિકન પ્રમુખ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા

વોશીંગ્ટન તા.૧૮: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા છે. અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફટ અને એમેઝોનનાં ૫૦ લાખ ડોલરથી ૨.૫ કરોડ ડોલર સુધીનાં શેર વેચ્યા હતાં અને માર્ચમાં આ જ કંપનીઓનાં કરોડો ડોલરનાં શેર ખરીદી લીધા હતાં.
જો કે શેરોની લેવડદેવડની આ માહિતી યોગ્ય સમયમાં જાહેર કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને દંડ ભરવો પડયો છે. અમેરિકાની ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સમાં દાખલ દસ્તાવેજો અનુસાર પ્રમુખ ટ્રમ્પને ૧૦૦૦ ડોલરથી વધારાનાં શેર ટ્રેડિંગની માહિતી ૪૫ દિવસની અંદર જાહેર કરવાની હોય છે.
જો કે ટ્રમ્પે આ સમય મર્યાદાનું પાલન કર્યુ નથી. જેના માટે તેમના પર ૨૦૦ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અગાઉ માર્ચ અને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ આ જ પ્રકારનાં વિલંબ બદલ તેમને દંડ ભરવો પડયો હતો.
રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફટ અને એમેઝોનનાં શેર મોટા પ્રમાણમાં વેચ્યા હતાં અને માર્ચમાં તેમાં ફરીથી રોકાણ કર્યુ હતું. આ ઉપરાંત ૧૦ ફેબ્રુઆરીએ તેમણે એનવિડિયાનાં શેર પણ ખરીદ્યા હતાં.
તેના થોડાક જ દિવસો પછી એનવીડિયાએ મેટા પ્લેટફોર્મ્સની સાથે ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે ભાગીદારીની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીનાં શેરોમાં ૨.૫ ટકાની તેજી જોવા મળી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પે માઇક્રોસોફટ અને એમેઝોન સાથે અમેરિકન સંરક્ષણ વિભાગે કરેલી એક સમજૂતી અગાઉ આ બંને કંપનીઓનાં શેરોમાં રોકાણ કર્યુ હતું.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
