તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
વેનેઝુએલાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવા ટ્રમ્પની તૈયારી
વેનેઝુએલા પર અમેરિકાનો કબજો? ૪૦ ટ્રિલિયન ડોલરના તેલ માટે ટ્રમ્પ ખેલી રહ્યા છે મોટો દાવ, દુનિયા સ્તબ્ધ : ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ તેમના ઘરેથી ઉઠાવ્યા હતા

વોશીંગ્ટન તા.૧૨: ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે, ટ્રમ્પે તેમની સાથે વાત કરતા આવું કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ તેમના ઘરેથી ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા સ્પષ્ટ કર્યું કે, અમેરિકા અસ્થાયી રૂપે વેનેઝુએલાના દેશનું સંચાલન સંભાળશે.
ટ્રમ્પે સોમવારે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, તેઓ વેનેઝુએલાને ૫૧મું રાજ્ય બનાવવાના પ્રસ્તાવ પર ‘‘ગંભીરતાથી વિચાર'' કરી રહ્યા છે. આ અગાઉ રાષ્ટ્રપતિએ કેનેડા અને ગ્રીનલેન્ડને પોતાના દેશમાં ભેળવવાનો વિચાર પણ રજૂ કર્યો હતો.
ફોક્સ ન્યૂઝના વ્હાઇટ હાઉસ કવર કરતા પત્રકારે આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘‘હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત થઈ. તેમણે મને જણાવ્યું કે, તેઓ વેનેઝુએલાને ૫૧મું રાજ્ય બનાવવાના કદમ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.''
ફોક્સ ન્યૂઝનું માનીએ તો ટ્રમ્પે જણાવ્યું છે કે, વેનેઝુએલા પાસે ૪૦ ટ્રિલિયન ડોલરનો તેલ ભંડાર છે. તેઓ એટલા માટે આ નિર્ણય પર વિચારી રહ્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, વેનેઝુએલા તેમને પસંદ કરે છે.
વેનેઝુએલા પર કાર્યવાહી બાદ ટ્રુથ સોશિયલ પોસ્ટમાં કહ્યું હતું કે, અમેરિકા વેનેઝુએલાનું અસ્થાયી રૂપે દેશનું સંચાલન સંભાળશે, જ્યાં સુધી સુરક્ષિત અને યોગ્ય ટ્રાન્ઝિશન ન થઈ જાય. તેમણે તેલ ઉદ્યોગને ફરીથી શરૂ કરવા અને વિદેશી રોકાણ લાવવા પર ભાર મૂક્યો હતો.
જોકે, ટ્રમ્પે તે સમયે પોતાની જાતને વેનેઝુએલાના પ્રશાસક જાહેર કર્યા નહોતા. તેના બદલે, અમેરિકી પ્રશાસને ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. ડેલ્સી માદુરોની વફાદાર માનવામાં આવતી હતી અને તેલ ક્ષેત્રના સંચાલનમાં અનુભવી છે. ટ્રમ્પે વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષામંત્રી પેટ હેગસેથ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આ ટ્રાન્ઝિશનની દેખરેખ સોંપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, અંતિમ જવાબદારી તેમના પર છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
