<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

હોર્મુઝ પર અમેરિકાના કબજાનો દાવોઃ ટ્રમ્‍પનો ઈરાન સાથે કરાર કરવાનો ઈન્‍કાર

નેતન્‍યાહૂ સાથે ફોન પર ગરમાગરમી! : વ્‍યૂહાત્‍મક જળમાર્ગ પર નિયંત્રણ અને અબજો ડોલર વસૂલ્‍યાના દાવા સાથે ટ્રમ્‍પ ઈરાન સામે નહિ ઝુકે

વોશિંગ્‍ટન, તા.૧૩: મધ્‍યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્‍ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક અત્‍યંત આક્રમક અને ચોંકાવનારું નિવેદન આપીને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્‍પે સ્‍પષ્ટ શબ્‍દોમાં જાહેરાત કરી છે કે અમેરિકાને હવે ઈરાન સાથે કોઈપણ પ્રકારના સોદા કે સમજૂતીની જરૂર નથી. પોતાના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ટ્રમ્‍પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાન પાસેથી અબજો ડોલર વસૂલી લીધા છે અને વૈશ્વિક તેલ વેપાર માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ ગણાતા હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. ટ્રમ્‍પે લખ્‍યું હતું કે, હવે સોદાના દિવસો પૂરા થઈ ગયા છે, અને સાથે જ સ્‍પષ્ટ કર્યું કે ઈરાનની કમર તોડવા માટે ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્‍ટ અને ‘ઓપરેશન આયર્ન ગેટ' હેઠળ નૌકાદળની નાકાબંધી અને લશ્‍કરી દબાણ યથાવત રહેશે.

એક તરફ ટ્રમ્‍પ ઈરાન સામે જીતનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના જ ખાસ સાથી એવા ઈઝરાયલી વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ સાથે તેમના મતભેદો સપાટી પર આવ્‍યા છે. ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, સપ્તાહના અંતે ટ્રમ્‍પ અને નેતન્‍યાહૂ વચ્‍ચે ફોન પર અત્‍યંત ઉગ્ર અને ગરમાગરમ બોલાચાલી થઈ હતી. નેતન્‍યાહૂ ઈરાન પર ફરીથી મોટા પાયે લશ્‍કરી હુમલા શરૂ કરવા માટે ટ્રમ્‍પ પર દબાણ કરી રહ્યા છે, જ્‍યારે ટ્રમ્‍પ હાલ વધુ સૈન્‍ય સંઘર્ષ ટાળીને આર્થિક નાકાબંધી અને રાજદ્વારી દબાણ દ્વારા પરિસ્‍થિતિને કાબૂમાં રાખવા માંગે છે. જોકે, નેતન્‍યાહૂના કાર્યાલયે આ પ્રકારની કોઈ ઉગ્ર ચર્ચા થઈ હોવાના અહેવાલોને ફગાવી દીધા છે, પરંતુ બંને નેતાઓની રણનીતિમાં વધતું અંતર સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે.

દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્‍બાસ અરાઘચી અને અન્‍ય ઈરાની અધિકારીઓએ ટ્રમ્‍પના દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્‍યા છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા પોતાની ગુપ્તચર નિષ્‍ફળતાઓને છુપાવવા માટે વારંવાર ખોટી ગણતરીઓ અને ભ્રામક દાવાઓ કરી રહ્યું છે, અને જ્‍યાં સુધી ઈરાનની શરતો નહીં સ્‍વીકારાય ત્‍યાં સુધી કોઈ ઝુકાવ નહીં આવે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્‍ચે ટ્રમ્‍પે અમેરિકાના આંતરિક રાજકારણમાં પણ નવો મોરચો ખોલતા ઉપરાષ્‍ટ્રપતિ જે.ડી. વાન્‍સને ડેમોક્રેટિક શાસિત રાજ્‍યોラખાસ કરીને મિનેસોટા, કેલિફોર્નિયા અને ઇલિનોઇસમાં દર મહિને થતી અબજો ડોલરની કથિત ચોરી અને ભ્રષ્ટાચારને રોકવાની જવાબદારી સોંપી છે, જેથી ફેડરલ બજેટને સંતુલિત કરી શકાય.

(2:16 PM IST)