<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો ઈરાનનો પ્રસ્તાવ ટ્રમ્પે ફગાવ્યો: મધ્યપૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકી પ્રમુખનું આકરું વલણ!

'અમને કોઈ ઉતાવળ નથી' - અમેરિકા દ્વારા દબાણ ચાલુ રાખવાના સંકેત; મિડટર્મ ચૂંટણીઓ પછી ફરી બોમ્બમારો શરૂ થવાની ભીતિ વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ ઘેરાયું

વોશિંગ્ટન : વૈશ્વિક ઊર્જા અને વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને ફરીથી ખોલવા માટે ઈરાન દ્વારા મુકવામાં આવેલા તાજેતરના પ્રસ્તાવને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે "અસ્વીકાર્ય" ગણાવીને ફગાવી દીધો છે. ઈરાનના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરના નાકાબંધી અને વધતા લશ્કરી તણાવ વચ્ચે ટ્રમ્પના આ આકરા રૂખથી મધ્યપૂર્વમાં આર્થિક અને મુત્સદ્દીગીરી સંકટ વધુ ઘેરૂં બન્યું છે.

 

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UNGA) દરમિયાન જાહેરાત કરી હતી કે તેહરાને એક નવી યોજના રજૂ કરી છે. જે અંતર્ગત જો અમેરિકા જૂન મહિનાના કરાર મુજબ પ્રતિબંધોમાં રાહત આપે, ફ્રીઝ કરાયેલી સંપત્તિ મુક્ત કરે અને વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી બંધ કરે, તો ઈરાન માત્ર સાત દિવસની અંદર આ મહત્વપૂર્ણ સામુદ્રધુની ખોલીને સામાન્ય નૌકાપરિવહન પૂર્વવત કરવા તૈયાર હતું. અરાગચીએ આક્ષેપ કર્યો હતો કે અમેરિકા બોમ્બમારો અને દબાણની નીતિ સાથે સુરક્ષાની આશા રાખી શકે નહીં.

 

પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પ્રસ્તાવ અંગે પૂછવામાં આવતાં પત્રકારોને જણાવ્યું હતું કે, "હું આ પ્રસ્તાવને ફગાવી દઉં છું. ઈરાનને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાથી તેઓ ઉતાવળમાં સોદો કરવા માંગે છે. મને પણ સોદો કરવો ગમે છે, પરંતુ આ શરતો પર સોદો કરવો શક્ય નથી." વ્હાઇટ હાઉસના અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની પર નિયંત્રણ અને આર્થિક પ્રભાવને કારણે અમેરિકા મજબૂત સ્થિતિમાં છે અને તેમને કોઈ ઉતાવળ નથી.

 

બીજી તરફ, 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે આગામી મિડટર્મ (મધ્ય-ગાળાની) ચૂંટણીઓ પૂરી થયા બાદ ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવાના સંકેતો આપ્યા છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ કહ્યું છે કે ઈરાન સાથે કોઈ લાંબાગાળાની સ્થિરતા લાવવા માટે ભારે મહેનત અને કડક શરતો જરૂરી રહેશે. અમેરિકાના આ વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠા અને વૈશ્વિક અર્થતંત્ર પર વિપરીત અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

(11:12 PM IST)