News of Sunday, 17th May 2026
ટ્રમ્પને સ્ટોક ટ્રેડિંગમાં પડ્યો મોટો ફટકો: માઈક્રોસોફ્ટ-એમેઝોનના સોદામાં નિયમો તોડવા બદલ દંડ!
લાખો ડોલરના શેર્સની ખરીદી અને વેચાણની વિગતો છુપાવવી અમેરિકી પ્રમુખને પડી ભારે: ૪૫ દિવસની સમયમર્યાદા ચૂકતા 'ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સ' એ લીધા આકરા પગલાં

વોશિંગ્ટન : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમના અંગત નાણાકીય વ્યવહારોને લઈને કાયદાકીય સકંજામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, ટ્રમ્પે માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓમાં કરોડો ડોલરના શેરનું ટ્રેડિંગ કર્યું હતું, પરંતુ તેની જાણકારી નિર્ધારિત સમયમર્યાદામાં સરકારી એજન્સીઓને આપી ન હતી. ફેબ્રુઆરીમાં અંદાજે $5 મિલિયનથી $25 મિલિયનના શેર વેચીને માર્ચમાં ફરીથી તે જ કંપનીઓમાં રોકાણ કરવાના આ સોદાઓએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે આ રોકાણો અમેરિકી સંરક્ષણ વિભાગના મોટા કરારોની જાહેરાત બાદ કરવામાં આવ્યા હતા.
અમેરિકી કાયદા મુજબ, રાષ્ટ્રપતિએ $1,000 થી વધુના કોઈપણ સ્ટોક ટ્રેડની માહિતી 45 દિવસમાં જાહેર કરવી ફરજિયાત છે. જોકે, ટ્રમ્પ આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા, જેના બદલ તેમને $200 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભલે દંડની રકમ નાની જણાય, પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી પદ પર બેઠેલી વ્યક્તિ દ્વારા વારંવાર થતી આ ચૂક નૈતિકતા અને 'હિતોના સંઘર્ષ ) પર ગંભીર સવાલો ઉભા કરે છે. ખાસ કરીને Nvidia ના શેર ખરીદ્યાના ગણતરીના દિવસોમાં જ કંપનીની મોટી ભાગીદારી જાહેર થતા ટ્રમ્પની ઇનસાઇડર માહિતી સુધીની પહોંચ અંગે પણ ચર્ચાઓ તેજ બની છે.
હાલમાં ટ્રમ્પની અઢળક સંપત્તિ તેમના સંતાનો દ્વારા સંચાલિત ટ્રસ્ટમાં રાખવામાં આવી છે, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આ વ્યવસ્થા પારદર્શક નથી. અમેરિકામાં 81 ટકા મતદારો ઈચ્છે છે કે હોદ્દા પર રહેલા રાજકારણીઓ પર શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. જ્યારે વ્હાઇટ હાઉસ આ મામલે મૌન સેવી રહ્યું છે, ત્યારે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનનો દાવો છે કે તમામ નિર્ણયો તૃતીય પક્ષ દ્વારા લેવામાં આવે છે. શેરબજારની તેજીનો શ્રેય લેતા ટ્રમ્પ માટે આ વિવાદ તેમની રાજકીય છબી અને વહીવટી પારદર્શિતા સામે એક નવો પડકાર બનીને ઉભો થયો છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
