News of Wednesday, 15th April 2026
ટ્રમ્પ વિરુદ્ધ પોપ: અમેરિકી રાષ્ટ્રપતિએ વેટિકન સામે બાંયો ચઢાવી, પોપ લીઓ સાથેના ઝઘડામાં નમતું જોખવાનો ઇનકાર કરતા કહ્યું- 'તેમણે રાજકારણથી દૂર રહેવું જોઈએ'
ઈરાન યુદ્ધ અને પરમાણુ નીતિ મુદ્દે ટ્રમ્પ અને પોપ વચ્ચે શબ્દયુદ્ધ તેજ: પીએમ મેલોની સહિત યુરોપિયન નેતાઓ પોપના સમર્થનમાં આવતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો

વોશિંગ્ટન, તા.૧૫: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ લીઓ XIV વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાન વિરુદ્ધ અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને નાકાબંધીના મુદ્દે પોપ દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે રજૂ કરેલા પોતાના નિવેદનો પર કાયમ છે અને માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી.
સોમવારે સીબીએસ (CBS) ને આપેલા એક વિસ્ફોટક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે પોપને સીધી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે પોપે રાજકારણમાં પડવું જોઈએ. તેઓ ગંભીર મુદ્દાઓ પર ખોટા છે અને કદાચ આ વિવાદમાંથી તેઓ કંઈક શીખશે." જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ૧.૪ અબજ કેથોલિકોના નેતા સાથે ફોન પર વાત કરશે, ત્યારે તેમણે ટૂંકો અને મક્કમ જવાબ આપતા "ના" કહી દીધું હતું.
કેમ શરૂ થયો આ વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પોપ લીઓએ ઈરાન પ્રત્યેના અમેરિકાના આક્રમક વલણની ટીકા કરી અને તેને શાંતિ માટે જોખમી ગણાવ્યું. તેના જવાબમાં ટ્રમ્પે પોપને "વિદેશ નીતિ માટે ભયંકર" અને "ગુનેગારો પ્રત્યે નરમ" ગણાવ્યા હતા. ટ્રમ્પનું માનવું છે કે ઈરાનને પરમાણુ શક્તિ બનતું રોકવા માટે સખત પગલાં જરૂરી છે અને ધાર્મિક નેતાઓએ આ લશ્કરી બાબતોમાં દખલ ન કરવી જોઈએ.
પોપ લીઓનો વળતો પ્રહાર: "હું ડરતો નથી"
બીજી તરફ, પોપ લીઓએ અલ્જીરિયાની મુલાકાત દરમિયાન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ ટ્રમ્પ વહીવટીતંત્રથી ડરતા નથી. તેમણે કહ્યું, "અમે રાજકારણીઓ નથી, અમે વિદેશ નીતિને એ રીતે નથી જોતા જે રીતે ટ્રમ્પ જુએ છે. પણ હું શાંતિ માટેનો મારો પ્રચાર ચાલુ રાખીશ. ચર્ચ યુદ્ધ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખશે."
AI ઈમેજ અને 'ઈસુ' વાળી પોસ્ટ પર સ્પષ્ટતા
ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે તે AI-જનરેટેડ તસવીર ડિલીટ કરવા અંગે પણ ખુલાસો કર્યો હતો જેમાં તેમને 'ઈસુ ખ્રિસ્ત' તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે સ્વીકાર્યું કે આ તસવીરથી લોકોમાં મૂંઝવણ ઊભી થઈ હતી, તેથી તેમણે તેને સોશિયલ મીડિયા પરથી હટાવવી પડી હતી.
યુરોપિયન નેતાઓમાં રોષ
ટ્રમ્પના પોપ પરના હુમલાને કારણે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્રમ્પના વલણને "અસ્વીકાર્ય" ગણાવ્યું છે. મેલોનીએ કહ્યું કે, "પોપ કેથોલિક ચર્ચના વડા છે અને શાંતિની અપીલ કરવી એ તેમનો અધિકાર અને ધર્મ છે." હવે જોવાનું એ રહેશે કે વેટિકન અને વોશિંગ્ટન વચ્ચેના આ તણાવપૂર્ણ સંબંધો વિશ્વના રાજકારણ પર કેવી અસર પાડે છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
