<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ટ્રમ્પનો 'બેઇજિંગ યુ-ટર્ન': જે ચીનને દુશ્મન ગણાવ્યું : હવે તેના જ શરણે અમેરિકી પ્રમુખ!

હોર્મુઝની કટોકટી અને આસમાને પહોંચેલી મોંઘવારીએ ટ્રમ્પને નમતું જોખવા મજબૂર કર્યા: શી જિનપિંગ સાથે મંત્રણા કરી તેલના ભાવ ઘટાડવા અને અર્થતંત્રને બચાવવા માટે ટ્રમ્પનો માસ્ટરપ્લાન

 બેઇજિંગ :  વૈશ્વિક રાજનીતિમાં અત્યારે એક અકલ્પનીય વળાંક આવ્યો છે. ગઈકાલ સુધી જે ચીનને અમેરિકાની દરેક મુસીબતનું જડ ગણાવતા હતા, તે જ ચીનના આંગણે આજે ડોનાલ્ડ ટ્રમ્પ આશાભરી નજરે પહોંચ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વભરમાં તેલના ભાવ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છે, જેના પરિણામે અમેરિકામાં મોંઘવારીનો ભસ્માસુર ફાટી નીકળ્યો છે. ટ્રમ્પ જાણે છે કે ઈરાન પર માત્ર ચીનનું જ પ્રભુત્વ છે, અને જો શી જિનપિંગ મધ્યસ્થી કરે તો જ તેલનો પુરવઠો ફરી શરૂ થઈ શકે તેમ છે. આ આર્થિક લાચારીએ ટ્રમ્પને નવ વર્ષ પછી ચીનની ધરતી પર પગ મૂકવા મજબૂર કર્યા છે.

બેઇજિંગ એરપોર્ટ પર ઉતરેલા ટ્રમ્પનું સ્વાગત કરવા ખુદ શી જિનપિંગ ન પહોંચ્યા, જે ચીનની મજબૂત સ્થિતિ અને અમેરિકાની નબળાઈનો સ્પષ્ટ સંકેત આપે છે. ટ્રમ્પની સાથે એલન મસ્ક અને જેન્સેન હુઆંગ જેવા બિઝનેસ ટાયકૂન્સ પણ છે, જેઓ ચીની બજારમાં પોતાનો પગપેસારો ફરી મજબૂત કરવા ઈચ્છે છે. ૨૦૨૬ની શરૂઆતમાં જે ટેકનોલોજી ચોરી અને ટેરિફ યુદ્ધના આરોપો હતા, તે અત્યારે સાઈડલાઈન થઈ ગયા છે. ટ્રમ્પનો હવે એક જ લક્ષ્મ છે: ગમે તેમ કરીને ચીન પાસેથી એવો સોદો મેળવવો જેનાથી અમેરિકામાં ફુગાવો ઘટે અને તેમનું ડગમગતું શાસન બચી જાય.

આ મુલાકાત માત્ર વેપારની નથી, પરંતુ સત્તાના સંતુલનની છે. ગયા વર્ષે ૩૦૮ અબજ ડોલરના માલની આયાત સામે અમેરિકાની નિકાસ ખૂબ ઓછી રહી છે, ત્યારે ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન અમેરિકી કૃષિ ઉત્પાદનો અને ઉર્જા ખરીદે. જો આ મંત્રણા સફળ રહેશે તો તેલના ભાવ ઘટશે અને વૈશ્વિક બજારમાં શાંતિ સ્થપાશે, પરંતુ જો ચીને કડક શરતો મૂકી તો ટ્રમ્પ માટે 'દુશ્મન' સાથેનો આ હાથમિલાવ મોંઘો સાબિત થઈ શકે છે. આગામી બે દિવસ વિશ્વભરના અર્થતંત્રનું ભવિષ્ય નક્કી કરશે.

(7:44 PM IST)