<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ટ્રમ્‍પના દાવા પોકળ? ઈરાનનું ‘મિશન મિસાઈલ' હજુ પણ એક્‍ટિવ

અમેરિકી જાસૂસી અહેવાલે દુનિયાને ચોંકાવી : હોર્મુઝમાં ઈરાનના ૩૦થી વધુ મિસાઈલ અડ્ડાઓ હજુ પણ ધમધમતા હોવાનો ખુલાસો

વોશિંગ્‍ટન, તા.૧૩: રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ભલે ઈરાનની લશ્‍કરી શક્‍તિ ખતમ થયાની બડાઈ હાંકતા હોય, પરંતુ યુએસ ગુપ્તચર એજન્‍સીઓના તાજા અહેવાલે સનસનાટી મચાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, હોર્મુઝ સ્‍ટ્રેટ જેવા વ્‍યૂહાત્‍મક વિસ્‍તારમાં ઈરાનના ૩૩માંથી ૩૦ મિસાઈલ સ્‍થળો હજુ પણ સક્રિય છે. ટ્રમ્‍પ વહીવટીતંત્રના ‘સંપૂર્ણ વિનાશ'ના દાવાઓ સામે આ આંકડાઓ સાબિત કરે છે કે ઈરાને અત્‍યંત ચાલાકીથી પોતાની સૈન્‍ય તાકાત બચાવી રાખી છે. તેલ ટેન્‍કરો અને યુએસ યુદ્ધ જહાજો માટે આ મિસાઈલ સાઈટ્‍સ આજે પણ સૌથી મોટો ખતરો બનીને ઊભી છે.

ચોંકાવનારી વિગત એ છે કે ઈરાન તેના ૭૦% મોબાઈલ લોન્‍ચર્સ અને બેલિસ્‍ટિક મિસાઈલોનો જથ્‍થો સુરક્ષિત રાખવામાં સફળ રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલના જોરદાર હુમલાઓ છતાં, ઈરાનની ૯૦% ભૂગર્ભ સુવિધાઓ ફરી કાર્યરત થઈ ગઈ છે. યુએસ સૈન્‍ય પાસે ‘બંકર-બસ્‍ટર' શષાોની અછત હોવાથી માત્ર પ્રવેશદ્વારોને નિશાન બનાવાયા હતા, જેના કારણે ઈરાને ટૂંકા ગાળામાં જ પોતાનું માળખું બેઠું કરી લીધું છે. આ સ્‍થિતિએ વ્‍હાઇટ હાઉસના તે દાવાઓને પડકાર્યા છે જેમાં કહેવાયું હતું કે ઈરાન હવે લડવા માટે સક્ષમ નથી.

બીજી તરફ, આ લાંબા સંઘર્ષમાં અમેરિકાના પોતાના શષાોના ભંડાર ખાલી થઈ રહ્યા છે. યુદ્ધ દરમિયાન હજારો ટોમાહોક અને પેટ્રિઅટ મિસાઈલોનો વપરાશ થતા હવે યુએસ સાથી દેશો, ખાસ કરીને યુરોપમાં ફફડાટ છે. જો ઈરાન સાથે ફરી સંઘર્ષ છેડાય તો અમેરિકા પાસે પૂરતો પુરવઠો નહીં રહે તેવો ડર સતાવી રહ્યો છે. ઈરાન આજે પણ હોર્મુઝ સ્‍ટ્રેટ પર વર્ચસ્‍વ જાળવી રહ્યું છે, જે દર્શાવે છે કે મધ્‍ય-પૂર્વમાં શાંતિ હજુ જોજનો દૂર છે અને ટ્રમ્‍પની વ્‍યૂહરચના સામે મોટા સવાલો ઉભા થયા છે. 

 

(10:48 AM IST)