<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ટ્રમ્પની રાજદ્વારી ગુગલીથી ઈરાન ઘૂંટણિયે: મંત્રણા રદ કરવાની જાહેરાતની દસ જ મિનિટમાં તેહરાને અમેરિકા સામે ધર્યો શરણાગતિ જેવો મોટો પ્રસ્તાવ

ઈસ્લામાબાદની મુલાકાત રદ થતા જ ઈરાની શાસકોમાં ફફડાટ, અગાઉની સરખામણીએ અનેકગણી વધુ સારી ઓફર સાથે પડદા પાછળની વાટાઘાટોમાં તેજી આવતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધોમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક આકરા નિર્ણયે રાતોરાત ચિત્ર બદલી નાખ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં યોજાનારી સંવેદનશીલ શાંતિ મંત્રણા રદ કર્યાની માત્ર દસ મિનિટની અંદર જ ઈરાને નમતું જોખીને એક આશ્ચર્યજનક ઓફર મોકલી આપી છે. ટ્રમ્પના મતે આ નવી દરખાસ્ત અગાઉના પ્રસ્તાવો કરતા ઘણી જ શ્રેષ્ઠ અને અમેરિકાના હિતમાં છે, જે સૂચવે છે કે અમેરિકી દબાણ હેઠળ ઈરાન હવે બાંધછોડ કરવા મજબૂર બન્યું છે.

હકીકતમાં, અમેરિકાના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર શનિવારે પાકિસ્તાન જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ ટ્રમ્પે આ પ્રવાસ અટકાવી દીધો હતો. ટ્રમ્પનું માનવું હતું કે જે અધિકારીઓ સાથે મુલાકાત થવાની હતી તે સ્તર સ્પષ્ટ ન હોવાથી આ મુલાકાત સમય અને નાણાંનો વ્યય માત્ર હતી. જોકે, આ મુલાકાત રદ થતા જ તેહરાનમાં ખળભળાટ મચી ગયો હતો અને ઈરાને તાત્કાલિક અસરથી સુધારેલો પ્રસ્તાવ મોકલીને અમેરિકાને મંત્રણાના મેજ પર પાછા આવવા વિનંતી કરી છે.

આ ઘટનાક્રમ દર્શાવે છે કે ટ્રમ્પની 'આર્ટ ઓફ ધ ડીલ' રણનીતિ ફરી એકવાર સફળ રહી છે. ઈરાન દ્વારા મોકલવામાં આવેલી આ 'સુધારેલી ઓફર' બાદ હવે બંને દેશો વચ્ચેની પડદા પાછળની વાટાઘાટો વધુ જટિલ અને ઝડપી બની છે. વૈશ્વિક નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક અને રાજદ્વારી દબાણને કારણે હવે તેહરાન કોઈ પણ ભોગે અમેરિકા સાથે સંધિ કરવા ઈચ્છે છે, જેનાથી મધ્ય પૂર્વના દેશોમાં શાંતિની નવી આશા જાગી છે.

(2:26 PM IST)