<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વર્ષ ૨૦૨૫ દરમિયાન ટ્રમ્પના ફાયનાન્સિયલ ડિસ્ક્લોઝરમાં ૨૧,૦૦૦ થી વધુ ટ્રેડ્સનો ચોંકાવનારો ખુલાસો : કુલ વ્યવહારોનું મૂલ્ય આશરે ૬૦ કરોડથી ૧.૮૬ અબજ ડોલર હોવાનો અંદાજ : રાષ્ટ્રપતિ પદના દુરુપયોગના આક્ષેપો સાથે વિવાદ વકર્યો

ક્રિપ્ટો અને મેમકોઈન બિઝનેસમાંથી ૧.૪ અબજ ડોલરની કમાણી : એક જ દિવસમાં એક ખાતામાં ખરીદી અને બીજામાં વેચાણના ૨૦૦ થી વધુ કિસ્સા સામે આવ્યા : ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને તમામ આક્ષેપો નકારીને રોકાણ થર્ડ-પાર્ટી દ્વારા સ્વતંત્ર રીતે સંચાલિત હોવાનો બચાવ કર્યો

  વોશિંગ્ટન:   અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વર્ષ ૨૦૨૫ ના નાણાકીય જાહેરાત અહેવાલ (ફાયનાન્સિયલ ડિસ્ક્લોઝર) માં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સત્તાવાર અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન ટ્રમ્પના ખાતાઓમાંથી ૨૧,૦૦૦ થી વધુ સિક્યોરિટીઝના ટ્રેડ્સ (ખરીદ-વેચાણ) કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યવહારોનું કુલ નાણાકીય મૂલ્ય અંદાજે ૬૦૦ મિલિયન ડોલર (૬૦ કરોડ ડોલર) થી લઈને ૧.૮૬ બિલિયન ડોલર (૧.૮૬ અબજ ડોલર) ની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ અહેવાલ સાર્વત્રિક થતાં જ વોચડોગ ગ્રુપ્સ અને વિરોધ પક્ષો દ્વારા ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ પદનો દુરુપયોગ કરીને અયોગ્ય નફો મેળવવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે આમાંની ઘણી ખરીદી એવી મોટી કંપનીઓની છે જે ફેડરલ ગવર્નમેન્ટ (સરકાર) સાથે સીધો વ્યાપારિક સંબંધ ધરાવે છે.

 

 રોજ સરેરાશ ૮૫ ટ્રેડ્સ - નીતિવિષયક નિર્ણયો બાદ બજારમાં ભારે હલચલ:

આ ફાયનાન્સિયલ રિપોર્ટના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, ટ્રમ્પે માર્કેટના દરેક કામકાજના દિવસે સરેરાશ ૮૫ ટ્રેડ્સ કર્યા છે. સમગ્ર વર્ષ ૨૦૨૫ દરમિયાન થયેલા કુલ ટ્રેડિંગના ૨૫ ટકા જેટલા વ્યવહારો માત્ર ૧૦ દિવસના ગાળામાં જ એક્ઝિક્યુટ કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના ટ્રેડ્સ વોલ સ્ટ્રીટ (અમેરિકી શેરબજાર) માં સર્જાયેલી ભારે અસ્થિરતા દરમિયાન થયા હતા, જે ટ્રમ્પ દ્વારા સરકારની મહત્વની નીતિઓમાં ફેરફારની જાહેરાત કર્યા બાદ જોવા મળી હતી. આ ઉપરાંત, ટ્રમ્પના અલગ-અલગ ૮ ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં પણ ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. આશરે ૨૦૦ થી વધુ કિસ્સાઓમાં એવું બન્યું છે કે જે દિવસે એક ખાતામાંથી કોઈ ચોક્કસ સ્ટોક ખરીદવામાં આવ્યો હોય, તે જ દિવસે બીજા ખાતામાંથી તે સ્ટોક વેચી દેવામાં આવ્યો હોય. અહેવાલમાં એ પણ જાહેર કરાયું છે કે ટ્રમ્પે વર્ષ ૨૦૨૫ માં ક્રિપ્ટોકરન્સી અને મેમકોઈન સંબંધિત વ્યવસાયોમાંથી ઓછામાં ઓછી ૧.૪ અબજ ડોલરની અધધ કમાણી કરી છે.

 

 ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસ દ્વારા આક્ષેપોનું ખંડન:

આ ગંભીર આક્ષેપો અંગે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ કમાણીને સામાન્ય ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલાં જ ખૂબ જ સમૃદ્ધ હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "હું જાણીજોઈને નાણાંનું સંચાલન કરનારા કોઈપણ લોકો સાથે ક્યારેય વાત કરતો નથી, તેઓ મોટી સંસ્થાઓમાં છે અને તેમને જ્યાં યોગ્ય લાગે ત્યાં રોકાણ કરે છે. મારી કમાણીનું એકમાત્ર કારણ એ છે કે અત્યારે શેરબજાર સતત ઉપર જઈ રહ્યું છે." વ્હાઈટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ પણ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ટ્રમ્પના રોકાણો સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે મેનેજ થાય છે અને આમાં હિતોનો કોઈ ટકરાવ (કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ) નથી.

ટ્રમ્પના પુત્ર અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ એરિક ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ તમામ અસ્કયામતો 'બ્લાઈન્ડ ટ્રસ્ટ' હેઠળ રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ટ્રમ્પ પરિવારના કોઈપણ સભ્યની મરજીથી વ્યક્તિગત સ્ટોક્સ ખરીદવામાં કે વેચવામાં આવી રહ્યા છે તેવો સંકેત આપવો એ સંપૂર્ણપણે જૂઠું અને પાયાવિહોણું છે.

 

 લોકપ્રિય શેરોમાં મોટું રોકાણ અને ટેરિફ જાહેરાત બાદ તોફાની ટ્રેડિંગ:

અહેવાલ મુજબ, ટ્રમ્પની કુલ બિન-રોકડ રોકાણ અસ્કયામતોનો દસમો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ અને એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) જેવા વૈવિધ્યસભર ફંડ્સમાં રોકાયેલો છે. જો કે, બાકીના રોકાણોમાં કયા ઇન્ડેક્સ ટ્રેક થઈ રહ્યા છે અને કઈ સંસ્થાઓ આ ખાતાઓનું સંચાલન કરે છે તેની કોઈ સ્પષ્ટ વિગત આપવામાં આવી નથી. અસ્કયામતોમાં ભારે ઓવરલેપિંગ જોવા મળ્યું છે, જેમાં લોકહીડ માર્ટિન કોર્પોરેશનના શેર ૬ ખાતામાં અને મેકડોનાલ્ડ્સ, માઇક્રોસોફ્ટ તથા ફાઈઝર જેવી કંપનીઓના શેર ૭ અલગ-અલગ ખાતામાં જોવા મળ્યા છે. તેમના ટોચના સ્ટોક હોલ્ડિંગ્સમાં એપલ, એનવીડિયા, બ્રોડકોમ, માઇક્રોસોફ્ટ અને ટેસ્લા જેવા એસ એન્ડ પી ૫૦૦ (S&P 500) ઇન્ડેક્સના અગ્રણી શેરો સામેલ છે.

કુલ ટ્રેડ્સમાંથી આશરે અડધા વ્યવહારો ૧,૦૦૧ ડોલરથી ૧૫,૦૦૦ ડોલરની નીચલી રેન્જના હતા. અહેવાલ અનુસાર ટ્રમ્પે કુલ ૧૫,૫૨૪ ખરીદી અને ૫,૭૬૧ અસ્કયામતોનું વેચાણ નોંધાવ્યું છે. કેટલીકવાર એક જ ખાતામાં એક જ દિવસે ખરીદ-વેચાણ પણ થયું છે. ઉદાહરણ તરીકે, ૧૫ સપ્ટેમ્બરે બ્લુ આઉલ કેપિટલ કોર્પોરેશનના શેરમાં ૩.૧ ટકાનો ઘટાડો થયો ત્યારે, ટ્રમ્પના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ નંબર ૪ દ્વારા આ કંપનીના ૧ મિલિયન ડોલરથી વધુના શેર ખરીદવામાં આવ્યા હતા અને તે જ દિવસે તે સ્ટોકના છ લોટ વેચી પણ દેવાયા હતા.

 

ખાસ કરીને ટ્રમ્પના વ્યાપાર અને ટેરિફ (જકાત) સબંધી નીતિગત નિર્ણયોની જાહેરાતો બાદ ટ્રેડિંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાગુ થવાના એક દિવસ પહેલાં, ૩ ફેબ્રુઆરીએ તેમના એસેટ મેનેજર્સે ૬૧૬ ટ્રેડ્સ કર્યા હતા. ત્યારબાદ જ્યારે ટ્રમ્પે આ ટેરિફ પરનો સ્ટે હટાવ્યો ત્યારે એક મહિના પછી બીજા ૬૪૦ ટ્રેડ્સ થયા હતા. એ જ રીતે, ટ્રમ્પની "લિબરેશન ડે" ટેરિફ જાહેરાતોને કારણે બજારમાં આવેલા કડાકા વચ્ચે ૪ એપ્રિલે વધુ ૪૪૬ ટ્રેડ્સ એક્ઝિક્યુટ કરવામાં આવ્યા હતા, જે બજારના નિષ્ણાતો માટે ભારે આશ્ચર્યનો વિષય બન્યો છે.

(10:01 AM IST)