<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ટ્રમ્‍પનું નવું ગતકડું: નવો ટેરિફ ઝીંકશેઃ ભારત હિટલિસ્‍ટમાં

ટ્રમ્‍પ ફરી એકવાર વિશ્‍વના મોટા વેપારી ભાગીદારો ઉપર ટેરિફ એટલે કે આયાત ડયુટી વધારવાની તૈયારી કરી રહ્યાં છે :હિટલિસ્‍ટમાં ભારત - ચીન - જાપાન સહિત ૧૬ દેશોનો સમાવેશઃ અમેરિકી સરકારનો આરોપ... આ દેશો જરૂર કરતાં વધુ માલનું ઉત્‍પાદન કરે છે જેથી વૈશ્‍વિક બજારમાં કિંમતો અને વેપાર પર અસર

વોશીંગ્‍ટન તા.૨૫: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સરકાર ફરી એકવાર દુનિયાના મોટા વેપારી ભાગીદારો પર ટેરિફ એટલે કે આયાત શુલ્‍ક વધારવાની તૈયારી કરી રહી છે. આ વખતે ભારત સહિત ૧૬ દેશો અને યુરોપિયન યુનિયન પર અમેરિકાની તપાસ બાદ નવા ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્‍સિકો, વિયેતનામ અને બાંગ્‍લાદેશ જેવા દેશો પણ સામેલ છે. અમેરિકી સરકારનો આરોપ છે કે આ દેશો જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્‍પાદન કરી રહ્યા છે અને તેના કારણે વૈશ્વિક બજારમાં કિમતો તથા વેપાર પર અસર પડી રહી છે.

સમાચાર એજન્‍સી રોઇટર્સના જણાવ્‍યા અનુસાર, અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) આ તપાસનાં પરિણામો મંગળવાર અથવા બુધવારે જાહેર કરી શકે છે. ત્‍યારબાદ અનેક પ્રકારની વસ્‍તુઓ પર નવા આયાત શુલ્‍ક લગાવવાનો પ્રસ્‍તાવ સામે આવી શકે છે. આ શુલ્‍ક ટ્રમ્‍પ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન અગાઉથી લગાવવામાં આવેલા ટેરિફ ઉપરાંત પણ લાગુ થઈ શકે છે.

અમેરિકાએ જે દેશોની ઉત્‍પાદન ક્ષમતાને લઈને તપાસ કરી છે, તેમાં દુનિયાના અનેક મોટા વેપારી ભાગીદારો સામેલ છે. આ દેશોમાં ભારત, ચીન, યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્‍સિકો, વિયેતનામ, તાઇવાન, થાઇલેન્‍ડ, મલેશિયા, ઇન્‍ડોનેશિયા, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, નોર્વે, સિગાપોર, બાંગ્‍લાદેશ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે માર્ચમાં આ તપાસ શરૂ કરી હતી. અમેરિકી સરકારનું કહેવું છે કે કેટલાક દેશો પોતાની જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્‍પાદન કરી રહ્યા છે અને તેને અન્‍ય દેશોનાં બજારોમાં વેચી રહ્યા છે. તેનાથી અમેરિકાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. જોકે, નવા ટેરિફનો દર કેટલો હશે અને કઈ વસ્‍તુઓને તેમાંથી મુક્‍તિ મળી શકે છે, તે હજુ સ્‍પષ્ટ થયું નથી. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય અને વ્‍હાઇટ હાઉસે આ અંગે તાત્‍કાલિક કોઈ જવાબ આપ્‍યો નથી

અમેરિકા આ અઠવાડિયે ભારત અને ચીન સહિત ૧૬ દેશોના માલ પર ટેરિફ વધારી શકે છે. એવો આરોપ છે કે આ દેશો સરકારી સહાયથી વધુ માલનું ઉત્‍પાદન કરી રહ્યા છે અને તેને ઓછી કિમતે વેચી રહ્યા છે, જેના કારણે અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.વોલ સ્‍ટ્રીટ જર્નલ અનુસાર, યુએસ ટ્રેડ રિપ્રેઝન્‍ટેટિવ જેમ્‍સન ગ્રીર ૧૧ માર્ચથી ચાલી રહેલી તપાસના પરિણામો જાહેર કરે તેવી અપેક્ષા છે. આ તપાસ ૧૯૭૪ના યુએસ ટ્રેડ એક્‍ટ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

તપાસ અહેવાલના આધારે, યુએસ અન્‍ય દેશોના માલ પર વધારાના ટેરિફ લાદી શકે છે. જોકે, નવા ટેરિફ દર હજુ સુધી નક્કી કરવામાં આવ્‍યા નથી. આ વર્ષના ફેબ્રુઆરીમાં, અમેરિકાએ ટેરિફ દર ૫૦% થી ઘટાડીને ૧૮% કર્યો હતો. તેણે રશિયાથી તેલ આયાત માટે દંડ તરીકે લાદવામાં આવેલા ૨૫% ટેરિફને પાછો ખેંચવાનો પણ નિર્ણય લીધો.

બળજબરીથી મજૂરી કરવાના કિસ્‍સામાં પણ ટેરિફ તૈયાર કરવામાં આવી રહ્યા છે યુએસ ટ્રેડ રિપ્રેઝન્‍ટેટિવના કાર્યાલયે જુલાઈમાં વિદેશી સપ્‍લાય ચેઇનમાં બળજબરીથી મજૂરી કરાવવાની તપાસ પણ પૂર્ણ કરી હતી.

ઓફિસના જણાવ્‍યા અનુસાર, આ મામલે ઘણા વેપારી ભાગીદાર દેશો પર ૧૦% થી ૧૨.૫% સુધીના વધારાના ટેરિફ લાદવામાં આવી શકે છે.

ભારત અને યુએસ વચ્‍ચે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોએ ફેબ્રુઆરીમાં કરારના માળખાને અંતિમ સ્‍વરૂપ આપ્‍યું હતું. જોકે, યુએસ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લાદવામાં આવેલા ટેરિફને રદ કરી દીધા હતા, જેના કારણે આ વાટાઘાટો ફરી શરૂ કરવાની ફરજ પડી હતી.

ભારત ઇચ્‍છે છે કે તેના માલ પર બાંગ્‍લાદેશ, વિયેતનામ અને કંબોડિયા જેવા સ્‍પર્ધકોની તુલનામાં યુએસ બજારમાં ઓછા ટેરિફ લાદવામાં આવે.

(10:10 AM IST)