તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
અમેરિકામાં ‘જન્મસિદ્ધ નાગરિકતા' છીનવવાનો ટ્રમ્પનો પ્લાન ફલોપ!
અમેરિકન સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો

વોશિંગ્ટન,તા.૦૧: અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં 'જન્મસિદ્ધ નાગરિકતા'ને સીમિત કરવાના પ્રયાસોને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નીચલી અદાલતના એ નિર્ણયને માન્ય રાખ્યો છે જેમાં ટ્રમ્પના કાર્યકારી આદેશ પર રોક લગાવવામાં આવી હતી. આ આદેશમાં અમેરિકન સરકારી એજન્સીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જો અમેરિકામાં જન્મેલા બાળકના માતા-પિતામાંથી કોઈ પણ અમેરિકન નાગરિક અથવા કાયદેસરના ગ્રીન કાર્ડ હોલ્ડર ન હોય, તો તે બાળકને અમેરિકન નાગરિક તરીકે માન્યતા આપવામાં ન આવે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે, એટલે કે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આ વિવાદાસ્પદ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકન સમાજ અને બંધારણમાં જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને લાંબા સમયથી એક અભિન્ન અંગ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ઇમિગ્રેશન પર કડક નિયંત્રણો લાદવાની ટ્રમ્પ સરકારની પ્રાથમિકતા અને કટ્ટર નીતિઓ માટે એક બહુ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પના આ આદેશને પડકારનારાઓનો મુખ્ય તર્ક એ હતો કે આ નિર્ણય અમેરિકન બંધારણના ૧૪મા સુધારાનું સીધું ઉલ્લંઘન કરે છે. આ સુધારા અંતર્ગત અમેરિકામાં જન્મ લેનારા અને અમેરિકન અધિકારક્ષેત્ર હેઠળ આવતા તમામ લોકોને નાગરિકતા પ્રદાન કરવામાં આવે છે. ટ્રમ્પ પર ઇમિગ્રેશન પોલિસીમાં વંશીય અને ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. અરજદારોએ ૧૮૯૮ ના 'યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વોંગ કિમ આર્ક' કેસનો હવાલો આપ્યો હતો, જેમાં કોર્ટે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકન ધરતી પર જન્મ લેતા તમામ બાળકો જન્મના આધારે નાગરિકતા મેળવવા હકદાર છે.
આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતા કન્ઝર્વેટિવ ચીફ જાસ્ટિસે પોતાના નિર્ણયમાં ૧૮૯૮ ના આ જ ઐતિહાસિક કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે લખ્યું કે, તેમાં કોઈ આヘર્ય નથી કે છેલ્લા ૧૨૮ વર્ષોથી અમે વોંગ કિમ આર્કના ચુકાદાને એ જ અર્થમાં સમજીએ છીએ કે અમેરિકામાં જન્મતા તમામ બાળકો માટે નાગરિકતાની ગેરંટી છે. આજે આ વ્યાખ્યાથી અલગ હટવાનું અમને કોઈ કારણ દેખાતું નથી.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
