<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ટ્રમ્પના નરમ વલણથી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો: ઓગસ્ટ પછી પહેલી વાર ૯૦ ડોલરથી નીચે ગયું બજાર

મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાના સંકેતો વચ્ચે બેન્ટ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડના ભાવમાં સતત બીજા દિવસે ભારે ગડાડો નોંધાયો

વાશિંગ્ટન : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર નરમ વલણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લાંબા સમય બાદ ૯૦ ડોલરની નીચે સરકી ગયું છે. મંગળવારે સતત બીજા દિવસે બ્રેન્ટ ક્રૂડ ૨.૯૧ ટકા ઘટીને ૮૯.૮૮ પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ૨.૬૬ ટકા ઘટીને ૮૪.૫૪ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. કતારના વડા પ્રધાન સહિતના પ્રાદેશિક નેતાઓની અપીલને માન આપીને ટ્રમ્પે હાલ માટે ઈરાન પર નવા લશ્કરી હુમલાઓ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક તેલ બજારને મોટી રાહત મળી છે.

તેલના ભાવમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પનું તે નિવેદન છે જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન સામે સૈન્ય કાર્યવાહી જરૂરી નથી. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ જહાજો પર છૂટાછવાયા હુમલાઓ ચાલુ છે અને અમેરિકા દ્વારા ત્યાં નૌકાદળ નાકાબંધી યથાવત રાખવામાં આવી છે. કેસીએમ ટ્રેડના એનાલિસ્ટ્સના મતે, બજાર હાલમાં તણાવની ખબરો કરતાં ટ્રમ્પના કૂટનીતિક વલણને વધુ મહત્ત્વ આપી રહ્યું છે, જેથી પુરવઠા અંગેનો ડર હાલ પૂરતો ઓછો થયો છે.

બીજી બાજુ, અમેરિકા અને ઈરાન વચ્ચે વહેલી શાંતિ સમજૂતીની શક્યતાઓ પર હજુ પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો યથાવત છે. ઈરાનની સુરક્ષા પરિષદના વડાએ વાટાઘાટો અંગે ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરવા ચેતવણી આપી છે અને ઈરાનની સાત શરતો સ્વીકારવા કહ્યું છે. આ દરમિયાન ઓપેક દેશો દ્વારા ઓક્ટોબર મહિનામાં કાચા તેલનું ઉત્પાદન વધારવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેમાં સાઉદી અરેબિયા, કુવૈત અને ઇરાકે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ વૈશ્વિક ઘટનાક્રમની સાથે જ રશિયા અને યુક્રેન વચ્ચે પણ અમેરિકાની મધ્યસ્થીથી બે દિવસીય મહત્ત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો શરૂ થવા જઈ રહી છે, જે ફેબ્રુઆરી પછી બંને દેશો વચ્ચેની પહેલી સીધી બેઠક હશે. આગામી દિવસોમાં આ રાજકીય અને આર્થિક સમીકરણો મધ્ય પૂર્વ અને યુરોપની બજાર પર કેવા પ્રભાવ પાડે છે અને ક્રૂડ ઓઇલના ભાવ કઈ દિશામાં ગતિ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

(12:05 AM IST)