તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ટ્રમ્પના જમાઈ સાથે થઈ ગઈ અબજો રૂપિયાની છેતરપિંડી: અલ્બેનિયામાં લક્ઝરી રિસોર્ટના નામે પધરાવી દીધી નકલી જમીન!
જમાઈ જેરેડ કુશનર અને પુત્રી ઇવાન્કા ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટ પર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાએ ફેરવ્યું પાણી: ૧૧૦ મિલિયન યુરોની ડીલ બાદ તપાસ એજન્સીઓએ બેંક ખાતા સીઝ કરતાં ખળભળાટ

તેહરાન: કોઈ કલ્પના પણ ન કરી શકે કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને પણ કોઈ આ રીતે ચૂનો લગાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર યુરોપના સુંદર દેશ અલ્બેનિયાના દરિયાકિનારે એક અબજો ડોલરનો આલીશાન રિસોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ, તેમને સહેજ પણ અંદાજો નહોતો કે જે જમીન પર તેઓ પોતાના સપનાનો મહેલ ચણવા જઈ રહ્યા છે, તેનો પાયો જ નકલી દસ્તાવેજો પર નંખાયો છે. અલ્બેનિયન મૂળના કુખ્યાત ઉદ્યોગપતિ આર્ટુર શેહુ દ્વારા જેરેડ કુશનરની કંપનીને વેચવામાં આવેલી કરોડો રૂપિયાની જમીનની રજિસ્ટ્રી અને તમામ કાગળો સંપૂર્ણપણે બોગસ અને છેતરપિંડીથી ભરેલા હોવાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે.
આ આખી છેતરપિંડી કરનાર આર્ટુર શેહુ કોઈ સામાન્ય બિઝનેસમેન નથી, પરંતુ ઇન્ટરનેશનલ કાયદા અમલીકરણ એજન્સીઓના ચોપડે ચડેલો એક રીઢો ગુનેગાર છે. તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આ અમેરિકન નિવાસી પર દક્ષિણ અમેરિકાથી યુરોપના અલગ-અલગ બંદરો સુધી મોટા પાયે કોકેઈન જેવા ખતરનાક ડ્રગ્સની હેરફેર અને કરોડો રૂપિયાના મની લોન્ડરિંગના ગંભીર આરોપો છે. ડ્રગ્સના કાળા કારોબારમાંથી મળેલા અઢળક નાણાંને ધોળા (લીગલ) કરવા માટે શેહુએ રિયલ એસ્ટેટનું એક મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. આ કાળા નાણાંને છુપાવવા માટે જમીનની માલિકીના નકલી દસ્તાવેજો અને બોગસ રજિસ્ટ્રીઓ તૈયાર કરવામાં આવી હતી. તપાસકર્તાઓનું દ્રઢપણે માનવું છે કે શેહુએ સરકારી અધિકારીઓની મિલીભગતથી મોટા પાયે જમીનો પચાવી પાડી હતી, જેમાંથી એક મોટો પ્લોટ તેણે ટ્રમ્પના જમાઈને પધરાવી દીધો હતો.
આ વર્ષના એપ્રિલ મહિનામાં આર્ટુર શેહુએ અલ્બેનિયાના પ્રખ્યાત દરિયાકિનારાનો એક મોટો પ્રાઇમ લોકેશનનો હિસ્સો જેરેડ કુશનરની કંપની 'અલ્બેનિયા લેન્ડ ડેવલપમેન્ટ'ને વેચ્યો હતો. જેરેડ કુશનરની પત્ની ઇવાન્કા ટ્રમ્પે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આ ભવ્ય પ્રોજેક્ટનો થ્રી-ડી પ્લાન શેર કર્યો હતો, જેમાં સેવન-સ્ટાર હોટેલ, આલીશાન વિલા, વિશાળ સ્વિમિંગ પૂલ અને લક્ઝરી યાટ્સ લાંગરવા માટે જેટી બનાવવાની જાહેરાત કરાઈ હતી. શેહુએ આ જમીન આશરે ૧૧૦ મિલિયન યુરો (અબજો રૂપિયા) માં વેચી દીધી હતી. પરંતુ, આ સોદો પૂર્ણ થાય તે પહેલા જ તપાસ એજન્સીઓએ સપાટો બોલાવતા નોટરીના બેંક ખાતામાં જમા થયેલી આ આખી રકમ ફ્રીઝ (સ્થગિત) કરી દીધી છે. એજન્સીની ૨૦૦ પાનાની ગુપ્ત ફાઇલમાં સ્પષ્ટ છે કે શેહુએ કાળા નાણાંની મદદથી નકલી ટાઇટલ ઊભા કરીને મિલકતોનું કદ કાગળ પર વધાર્યું હતું, જેના કારણે હવે ટ્રમ્પ પરિવારનો આ ડ્રીમ પ્રોજેક્ટ કાનૂની વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
