<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ટ્રમ્પની અચાનક નરમાશ: નેતન્યાહૂ સાથે ગરમાગરમ બોલાચાલી બાદ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

અમેરિકા-ઇઝરાયલના સંબંધોમાં તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન; લેબનોન સંઘર્ષને લઈને નેતન્યાહૂને ખખડાવ્યા, તો બીજી તરફ ઈરાન સાથે શાંતિ વાટાઘાટોની આશા સેવી.

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને મળવાની ઈચ્છા વ્યક્ત કરીને વિશ્વ રાજકારણમાં નવા સમીકરણો તરફ ઈશારો કર્યો છે. 'પોડ ફોર્સ વન' પોડકાસ્ટ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ માને છે કે ઈરાન સાથેની કોઈપણ વાટાઘાટમાં અંતિમ નિર્ણય મોજતબા ખામેની જ લેશે, તેથી તેમની સાથે મુલાકાત કરવી જરૂરી છે. નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પ્રથમ હુમલામાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીનું નિધન થયા બાદ તેમના પુત્ર મોજતબા ખામેનીએ સત્તા સંભાળી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે યુએસ-ઈઝરાયલી હુમલામાં મોજતબા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની તબિયત સારી નથી.
નેતન્યાહૂ સાથે ટ્રમ્પની 'ગરમ' વાતચીત
આ નિવેદન પૂર્વે, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે થયેલા ફોન કોલને લઈને ભારે ચર્ચા જાગી છે. અહેવાલો અનુસાર, આ વાતચીત ખૂબ જ તણાવપૂર્ણ હતી અને એક તબક્કે ટ્રમ્પે નેતન્યાહૂ પર બૂમ પાડીને પૂછ્યું હતું કે, "શું તમે પાગલ થઈ ગયા છો?" ટ્રમ્પે પોતે પણ આ વાતચીતનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, તેઓ લેબનોનમાં ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને લઈને ચિંતિત હતા. તેમણે નેતન્યાહૂને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "બીબી (નેતન્યાહૂ), આપણે આ લડાઈ બંધ કરવી પડશે." ટ્રમ્પનું માનવું છે કે લેબનોન સાથેનો આ સતત સંઘર્ષ ક્ષેત્રીય શાંતિ માટે અવરોધરૂપ છે.
શાંતિ કરાર તરફ અમેરિકાના ડગલાં
ઈઝરાયલ એક તરફ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે લશ્કરી ઘૂસણખોરી વધારી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા ઈરાન સાથે શાંતિ કરાર કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. આ સંભવિત કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો મૂકવાની યોજના છે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેના આ તાજેતરના ફોન કોલે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં રહેલા તણાવને ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે. એક તરફ યુદ્ધના મેદાને ગરમી વધી રહી છે, ત્યારે ટ્રમ્પની આ મુલાકાતની ઓફર અને શાંતિની વાતો આગામી સમયમાં કયા વળાંક લેશે તે જોવું રહ્યું.

(10:00 PM IST)