તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
ટ્રમ્પની ઈરાનને ગર્જના: "હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અમેરિકાને બ્લેકમેલ કરવાના સપના જોવાનું છોડી દે તેહરાન, ઘૂંટણિયે લાવીને જ દઈશું દમ"
ભારતીય તેલ ટેન્કરો પર ઈરાની ગોળીબારથી દિલ્હીથી વોશિંગ્ટન સુધી ખળભળાટ, મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામની આશા વચ્ચે ફરી સર્જાયું ભયાનક ઉર્જા સંકટ

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધુ અને આક્રમક યુદ્ધ છેડતા સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ બંધ કરીને તેહરાન વિશ્વને બ્લેકમેલ કરી શકશે નહીં. ઓવલ ઓફિસમાં મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે ગંભીર ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે ઈરાન વર્ષોથી જે રીતે દબાણ લાવવાની રણનીતિ અપનાવી રહ્યું છે તે હવે ચાલશે નહીં. શુક્રવારે લેબનોનમાં યુદ્ધવિરામ બાદ ઈરાને આ માર્ગ ખોલ્યો હતો, પરંતુ જ્યારે ટ્રમ્પે અમેરિકી નાકાબંધી હટાવવાનો ઇનકાર કર્યો, ત્યારે ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને તાળાબંધી કરી દેતા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ખેંચતાણના કારણે ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી આસમાને પહોંચવાની દહેશત વર્તાઈ રહી છે.
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવાની લ્હાયમાં ઈરાની દળોએ બે ભારતીય તેલ ટેન્કરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યાના અહેવાલો પ્રાપ્ત થયા. ભારત સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લેતા તાત્કાલિક અસરથી ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા છે. ઈરાની લશ્કરી કમાન્ડનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવીને નેવિગેશનની સ્વતંત્રતા પુનઃસ્થાપિત નહીં કરે, ત્યાં સુધી આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર કડક નિયંત્રણો ચાલુ રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ 'ઈગો વોર' માં ભારત જેવા દેશોના વ્યાપારી જહાજો રગદોળાઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયાના સંકટ બાદ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100 સુધી પહોંચી ગયા છે, જેણે વિશ્વને ફરી એકવાર ઉર્જા સંકટની ખાઈમાં ધકેલી દીધું છે. લેબનોન સાથેના યુદ્ધવિરામ બાદ શાંતિની અપેક્ષા હતી, પરંતુ ટ્રમ્પના તાજેતરના નિવેદને ફરીથી અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમેરિકી વહીવટીતંત્રનું માનવું છે કે ઈરાનની શરતો સ્વીકારવી એટલે આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન છે. બીજી તરફ, ઈરાન પોતાની સાર્વભૌમત્વ અને સુરક્ષાના નામે સમુદ્રી ચાંચિયાગીરી જેવી હરકતો પર ઉતરી આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર એ વાત પર છે કે ટ્રમ્પના આ કડક વલણ સામે ઈરાન નમતું જોખશે કે પછી આ વિવાદ ત્રીજા વિશ્વયુદ્ધની ચિનગારી સાબિત થશે.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
