તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ટ્રમ્પનો 'યુ-ટર્ન': રશિયન ઓઇલ પર ગર્જના કરનારા ટ્રમ્પ પીએમ મોદી સામે આવતા જ કેમ નરમ પડ્યા?
જી-૭ સમિટમાં રશિયાને ઘેરવાની મોટી-મોટી વાતો કરનાર યુએસ પ્રમુખે વડાપ્રધાન મોદીની હાજરીમાં રશિયન તેલ પર સીધો પ્રહાર કરવાનું ટાળ્યું અને ગ્લોબલ ડિપ્લોમેસીની પીચ પર રક્ષણાત્મક રમત રમી

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને રાજદ્વારી સંબંધોના મંચ પર ક્યારે કોણ પલટી મારી જાય તે કહેવું મુશ્કેલ છે, અને આવો જ એક રસપ્રદ નજારો ફ્રાન્સમાં આયોજિત જી-૭ સમિટ દરમિયાન જોવા મળ્યો હતો. અત્યાર સુધી મધ્ય-પૂર્વના દેશોમાં શાંતિ સ્થાપવાના બહાને રશિયન ઓઇલ સપ્લાય પર આકરા પ્રતિબંધો લાદવાની ખુલ્લી ધમકીઓ આપતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે આવ્યા ત્યારે એકદમ નરમ પડી ગયા હતા. મીડિયા દ્વારા પીએમ મોદીની હાજરીમાં જ જ્યારે ટ્રમ્પને રશિયા પર ફરીથી કડક પ્રતિબંધો લાદવા અંગે સીધો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે હંમેશા આક્રમક રહેતા ટ્રમ્પે કોઈ પણ સીધો જવાબ આપવાનું હોશિયારીપૂર્વક ટાળી દીધું હતું અને રશિયાના બદલે ઈરાન અને વૈશ્વિક તેલના ભાવો તરફ વાત વાળી દીધી હતી.
ટ્રમ્પના આ બદલાયેલા સૂર પાછળ વૈશ્વિક બજાર અને તેલના ભાવોનું ગણિત જવાબદાર હોવાનું મનાય છે. પીએમ મોદીની સામે બચાવ પક્ષે રમતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે રશિયા પર પ્રતિબંધો અંગે વિચારી રહ્યા છીએ, પરંતુ અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે અને તે પ્રતિ બેરલ ૭૪-૭૫ ડોલરની આસપાસ આવી ગયા છે." આ સાથે જ યુક્રેન યુદ્ધ માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને જવાબદાર ગણવાના સવાલ પર પણ ટ્રમ્પે મૌન સેવી લીધું હતું અને માત્ર એટલું જ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને પુતિન બંને સાથે વાતચીત કરીને આ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આવી બાબતો પર ટિપ્પણી કરીને તે પ્રક્રિયાને તેઓ મુશ્કેલ બનાવવા માંગતા નથી.
રાજદ્વારી નિષ્ણાતોના મતે, ટ્રમ્પનું આ વલણ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા ભારતની રશિયા પાસેથી સસ્તી કિંમતે તેલ ખરીદવાની મજબૂરી અને તેના દૃષ્ટિકોણને સારી રીતે સમજે છે, તેથી જ પીએમ મોદીની સામે રશિયા પર વધુ ટેરિફ કે દબાણ લાવવાની વાત કરવાનું ટ્રમ્પે ટાળ્યું હતું. ભારતની ઉર્જા ખરીદી અંગે ઉદારતા દાખવતા ટ્રમ્પે પીએમ મોદી સાથેની તેમની અંગત મિત્રતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, "ભારત અમારી સાથે જે ઈચ્છે તે કરી શકે છે, અમારા સંબંધો એટલા મજબૂત છે કે આનાથી વધુ નજીક આવવું શક્ય જ નથી." ટ્રમ્પનું આ નિવેદન સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે રશિયાને અલગ-થલગ કરવાની અમેરિકાની જીદ પર ભારત સાથેની મિત્રતા ભારે પડી રહી છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
