<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

અયોધ્યા રામ મંદિરમાં સોનાની રામચરિતમાનસ અંગે ટ્રસ્ટનો મોટો ખુલાસો, વિવાદ વચ્ચે જારી કર્યો વીડિયો પુરાવો

​પૂર્વ આઈએએસ અધિકારી દ્વારા દાનમાં અપાયેલી ૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૫૧ કિલોની સુવર્ણ જડિત રામચરિતમાનસ ગુમ હોવાના દાવાઓને ટ્રસ્ટ દ્વારા સદંતર નકારી કાઢવામાં આવ્યા: ભક્તોની આસ્થા સાથે જોડાયેલી અમૂલ્ય ભેટ સલામત હોવાની સ્પષ્ટતા

​અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી વસ્તુઓની સુરક્ષા અને વહીવટને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે, સોનાથી જડિત રામચરિતમાનસના મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આખરે મૌન તોડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ સચિવ અને નિવૃત્ત આઈએએસ અધિકારી એસ. લક્ષ્મી નારાયણ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. પૂર્વ અધિકારીએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા અર્પણ કરવામાં આવેલી ૧૫૧ કિલોની, ૨૪ કેરેટ સોનાથી મઢેલી રામચરિતમાનસ મંદિર પરિસરમાંથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે.

​આ વિવાદને પગલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સામે આવીને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ટ્રસ્ટે સોનાની રામચરિતમાનસનો વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે આ ધાર્મિક ગ્રંથ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ટ્રસ્ટના કબજામાં જ છે. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અમૂલ્ય ગ્રંથ ક્યાંય પણ ખોવાઈ નથી, પરંતુ તેને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવામાં આવી છે.

​શું હતો સમગ્ર મામલો?

વર્ષ ૨૦૨૪માં એપ્રિલ મહિનામાં પૂર્વ આઈએએસ અધિકારી એસ. લક્ષ્મી નારાયણ અને તેમના પત્નીએ જીવનભરની મૂડી એકઠી કરીને આશરે ૫ કરોડ રૂપિયાના ખર્ચે આ ભવ્ય રામચરિતમાનસ તૈયાર કરાવી હતી. ૧૫૧ કિલો વજન ધરાવતા આ ગ્રંથના ૧૦,૯૦૨ શ્લોકોને ૨૪ કેરેટ સોનાના અક્ષરોથી તાંબાના પૃષ્ઠો પર કોતરવામાં આવ્યા છે. શરૂઆતમાં આ પ્રતિકૃતિને રામલલાના ગર્ભગૃહમાં પૂજા માટે રાખવામાં આવી હતી.

​દાતાનો આક્ષેપ હતો કે તેઓ જ્યારે અનેક વખત અયોધ્યા પહોંચ્યા અને ટ્રસ્ટના હોદ્દેદારો પાસે આ ગ્રંથ વિશે સ્પષ્ટતા માંગી, ત્યારે તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે તેમણે ચોરીની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, હવે ટ્રસ્ટે વીડિયો જાહેર કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. હાલમાં રામ મંદિરમાં દાનની ચોરી અને ટ્રસ્ટની કાર્યપદ્ધતિ અંગે ચાલી રહેલા વિવાદોના માહોલમાં, ટ્રસ્ટના આ ખુલાસાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

(12:46 PM IST)