તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
પાકિસ્તાનમાં ટયુશન સેન્ટરની છત ધરાશાયીઃ ૧૪ બાળકોના મોત
બાળકોના કરુણ મોતથી સમગ્ર દેશમાં હાહાકાર અને તંત્રની ઘોર બેદરકારી સામે રોષ

લાહોર, તા.૧: પાકિસ્તાનના લાહોરનો કાહના જિલ્લો એક ભયાનક ચીસ સાથે ધ્રૂજી ઊઠ્યો હતો. ઈદગાહ બસ્તી વિસ્તારમાં એક ગીચ રહેણાંક ઇમારતમાં ચાલી રહેલા ખાનગી ટયુશન સેન્ટરમાં માસૂમ બાળકો ભણી રહ્યા હતા, ત્યારે અચાનક મોત બનીને તૂટી પડેલી છતે ૧૪ નિર્દોષ જીવ છીનવી લીધા. માત્ર ૭ થી ૧૩ વર્ષની વયના આ ભૂલકાંઓ કંઈ સમજે તે પહેલાં જ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં એક મહિલા શિક્ષિકા સહિત અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાશ રહ્યા છે. આ ભયાનક હોનારત પાછળ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ટયુશન સેન્ટર જે ઇમારતમાં ચાલતું હતું, તેનો એક ભાગ હજુ નિર્માણાધીન હતો અને ઘટના સમયે ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. નબળા બાંધકામને કારણે અચાનક આખી છત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી ૨૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ૧૪ બાળકોને બચાવી શકાયા નહોતા. પોલીસે તાત્કાલિક એક્શન લઈ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને કોન્ટ્રાક્ટર સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. આ માસૂમોના મોતના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પાકિસ્તાનમાં રોષ અને શોકની લહેર વ્યાપી ગઈ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે આ ઘટના અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના આદેશ કર્યા છે. બીજી તરફ, પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે લાલ આંખ કરીને પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને આ ગુનાહિત બેદરકારી માટે જવાબદાર તમામ તત્વો સામે કડક ફોજદારી કાર્યવાહી શરૂ કરવાના સખત આદેશ આપ્યા છે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
