તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનો યુએન સામે બળવો, કહ્યું- કાયમી સભ્યોનો વીટો પાવર નાબૂદ કરો!
વિશ્વ પાંચ દેશોની મરજી પર ન ચાલી શકે: સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની માંગ સાથે એર્દોગનનો આકરો પ્રહાર

ન્યૂયોર્ક:વૈશ્વિક કટોકટીઓ અને યુદ્ધો સમયે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની નિષ્ફળતા પર સવાલો ઉઠાવતા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને યુએન સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યો પાસે રહેલા 'વીટો પાવર'ને તાત્કાલિક અસરથી નાબૂદ કરવાની જોરદાર માંગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વર્તમાન યુએન સિસ્ટમ અત્યંત જૂની થઈ ગઈ છે અને બીજા વિશ્વયુદ્ધ પછી સ્થાપિત થયેલી આ પ્રણાલી આજના આધુનિક વિશ્વની વાસ્તવિકતાઓને રજૂ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે.
બ્લૂમબર્ગમાં પ્રકાશિત એક વિશેષ લેખમાં તુર્કીના રાષ્ટ્રપતિએ પોતાના વિચારો રજૂ કરતાં લખ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં વિશ્વએ અનેક મોટા સંકટો અને તબાહી જોઈ છે. આ ઘટનાઓએ સાબિત કર્યું છે કે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ માત્ર થોડા શક્તિશાળી દેશોની રાજધાનીઓમાં લેવાતા નિર્ણયો પર છોડી શકાય નહીં. યુએનની નિર્ણય લેવાની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન અનિવાર્ય બન્યું છે.
એર્દોગને દલીલ કરી હતી કે મોટાભાગના દેશોની સંમતિ હોવા છતાં, કોઈ પણ એક દેશ પાસે આખા ઠરાવને અટકાવી દેવાની અપરંપરાગત સત્તા (વીટો પાવર) હોવી જોઈએ નહીં. સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ)ના વલણને કારણે ઘણીવાર માનવતાવાદી કટોકટીમાં પણ યુએન લાચાર બની જાય છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જર્મની સહિતના અનેક રાષ્ટ્રોએ પણ વીટો સિસ્ટમ સામે સવાલો ઉઠાવ્યા છે. જોકે, યુએન ચાર્ટરમાં સુધારો કરવા માટે કાયમી સભ્યોની સંમતિ જરૂરી હોવાથી વીટો પાવર નાબૂદ કરવાનો માર્ગ અત્યંત પડકારજનક માનવામાં આવે છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
