News of Friday, 24th April 2026
ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે ડાયાબિટીસની સારવારમાં બનશે રામબાણ : હૃદયને થતા નુકસાન સામે આપશે સુરક્ષા
ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ હળદરમાં રહેલા 'કર્ક્યુમિન' તત્વના ચમત્કારિક ફાયદા શોધ્યા : બ્લડ શુગર નિયંત્રિત કરવાની સાથે રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધારવામાં મળી મોટી સફળતા

મિનીઆપોલિસ (અમેરિકા):વિશ્વભરમાં ડાયાબિટીસના વધતા જતા વ્યાપ વચ્ચે અમેરિકાની ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (FIT) ના સંશોધકોએ એક આશાસ્પદ સંશોધન રજૂ કર્યું છે. ભારતીય રસોડામાં અનિવાર્ય ગણાતી હળદર ડાયાબિટીસના કારણે થતી હૃદયની ગંભીર બીમારીઓ અને સોજા (Inflammation) ને રોકવામાં ‘ગોલ્ડન ટિકિટ’ સાબિત થઈ શકે છે. હળદરનો પીળો રંગ આપનાર મુખ્ય ઘટક ‘કરક્યુમિન’ બ્લડ શુગર ઘટાડવા ઉપરાંત શરીરના કોષોના પ્રતિભાવોને પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
રક્તવાહિનીઓની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો:
ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પી.એચ.ડી. સ્કોલર સ્વાસ્તી રસ્તોગીના નેતૃત્વમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા ઉંદરના મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું કે માત્ર એક મહિના સુધી કરક્યુમિનના ડોઝ આપ્યા બાદ ડાયાબિટીક ઉંદરોની રક્તવાહિનીઓ અને મહાધમની (Aorta) ની કાર્યક્ષમતા સામાન્ય અને બિન-ડાયાબિટીક ઉંદરો જેવી જોવા મળી હતી. આ પ્રક્રિયામાં કરક્યુમિને રક્તવાહિનીઓમાં કેલ્શિયમ આયનોના પ્રવાહને સંતુલિત કર્યો અને ડાયાબિટીસથી પ્રભાવિત થતા ખાસ પ્રોટીનમાં પણ વધારો કર્યો છે.
ડાયાબિટીસ અને તેના જોખમો:
વર્તમાન આંકડા મુજબ, અમેરિકામાં આશરે 40.1 મિલિયન એટલે કે કુલ વસ્તીના 12% લોકો ડાયાબિટીસથી પીડાય છે. ટાઇપ-1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી, જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. આ બંને સ્થિતિમાં લાંબા ગાળે હૃદય અને રક્તવાહિનીઓને નુકસાન થવાનું જોખમ રહેલું છે, જેની સામે હળદરમાં રહેલું એન્ટી-ઓક્સિડન્ટ તત્વ રક્ષણ પૂરું પાડે છે.
માનવ શરીરમાં શોષણ અને ભવિષ્યના પડકારો:
જોકે, સંશોધકોએ ચેતવણી પણ આપી છે કે હળદરનો સીધો ઉપયોગ ડાયાબિટીસની સારવાર તરીકે કરવો હજુ વહેલું ગણાશે. તેનું મુખ્ય કારણ એ છે કે કરક્યુમિન માનવ આંતરડામાં ખૂબ જ ઓછી માત્રામાં શોષાય છે અને શરીરમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે. તેની શોષણક્ષમતા (Bioavailability) વધારવા માટે ઘણીવાર તેને કાળા મરી સાથે મિશ્રિત કરવામાં આવે છે. મિનીઆપોલિસમાં આયોજિત અમેરિકન ફિઝિયોલોજી સમિટમાં આ અહેવાલ રજૂ કરવામાં આવશે.
અન્ય બીમારીઓમાં પણ અકસીર:
હળદરમાં રહેલા કરક્યુમિનનો ઉપયોગ અત્યારે ઓસ્ટિયોઆર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસમાં સાંધાના દુખાવા ઘટાડવા માટે થઈ રહ્યો છે. આ ઉપરાંત કેન્સર, અલ્ઝાઈમર, પાર્કિન્સન્સ અને આંતરડાના સોજા જેવી જટિલ બીમારીઓમાં પણ તેની અસરો પર સંશોધનો ચાલુ છે. આગામી સમયમાં માનવીઓ પર થનારા ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ તેનો ઉપયોગ ડાયાબિટીસની અન્ય દવાઓ સાથે કેટલા પ્રમાણમાં કરી શકાય તે નક્કી કરવામાં આવશે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
