<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ટીવી સ્ક્રીનથી ગુનાની દુનિયા સુધી: ઇજિપ્તની પ્રખ્યાત ટીવી એન્કર સારાહ ખલીફા સહિત ૧૨ લોકોને મૃત્યુદંડની સજા

૭૫૦ કિલો ડ્રગ્સ, સિક્રેટ લેબ્સ અને ગેરકાયદે હથિયારો સાથે પકડાઈ ફુલ-ટાઇમ ગેંગ: ક્રાઇમ શો 'મિશન ઇમ્પોસિબલ'ની હોસ્ટ પોતે જ બની ડ્રગ્સની માસ્ટરમાઇન્ડ

કૈરો:  ઇજિપ્તની રાજધાની કૈરોથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે મીડિયા જગત અને ગુનાખોરીની દુનિયામાં સનસનાટી મચાવી દીધી છે. ઇજિપ્તની અદાલતે લોકપ્રિય ટેલિવિઝન પ્રેઝન્ટર અને એન્કર સારાહ ખલીફા (Sarah Khalifa) અને તેના અન્ય ૧૧ સહ-આરોપીઓને સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન, દાણચોરી અને ગેરકાયદે હથિયારો રાખવાના હાઇ-પ્રોફાઇલ કેસમાં ફાંસી (મૃત્યુદંડ)ની સજા સંભળાવી છે.
૩૯ વર્ષીય સારાહ ખલીફા ઇજિપ્તના અત્યંત લોકપ્રિય ટીવી શો "મિશન: ઇમ્પોસિબલ" (Mission: Impossible) ની હોસ્ટ હતી, જેમાં ગંભીર ગુનાઓ, સુરક્ષા અને કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હતી. આ સિવાય તે એક કોસ્મેટિક સર્જરી ક્લિનિક અને ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રોડક્શન કંપનીની માલિક પણ છે. કેમેરા સામે ગુનાઓ અટકાવવાની સલાહ આપતી આ સેલિબ્રિટી પોતે જ પડદા પાછળ એક વિશાળ ડ્રગ નેટવર્ક ચલાવતી હોવાનો ખુલાસો થયો છે.

ઇજિપ્તના રાજ્ય મીડિયા અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન અધિકારીઓએ બે એવા એપાર્ટમેન્ટ્સ પણ શોધી કાઢ્યા હતા જેનો ઉપયોગ ગુપ્ત રીતે સિન્થેટિક ડ્રગ્સ બનાવવાની પ્રયોગશાળા (Drug Lab) તરીકે થતો હતો. દરોડા દરમિયાન ૭૫૦ કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થો, ડ્રગ્સ બનાવવાનો કાચો માલ, બિનઅધિકૃત બંદૂકો અને મોટી સંખ્યામાં કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગેંગ વિદેશથી કાચો માલ આયાત કરીને ઇજિપ્તમાં કૃત્રિમ ડ્રગ્સ બનાવીને વેચવાનું સંગઠિત કાવતરું ઘડી રહી હતી.

ઇજિપ્તના કાયદા મુજબ, કોર્ટ દ્વારા ફાંસીની સજા આપતા પહેલાં દેશના ગ્રાન્ડ મુફ્તી (પાસે ધાર્મિક સલાહ મેળવવાની ફરજિયાત કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, આ નિર્ણય સામે હજુ ઉપલી અદાલતમાં અપીલ કરવાની તક ઉપલબ્ધ છે. આ સિવાય સારાહ ખલીફા અને તેના સાથીદારોને અન્ય એક કેસમાં યુવકનું અપહરણ કરી તેના પર હુમલો કરવાના આરોપસર ૫ વર્ષની કેદની સજા પણ સંભળાવવામાં આવી છે.

માનવતાવાદી સંસ્થાઓના અહેવાલો મુજબ, ઇજિપ્તમાં ડ્રગ ટ્રાફિકિંગ, આતંકવાદ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે કડક કાયદા છે, જ્યાં ૨૦૨૫ દરમિયાન અદાલતો દ્વારા ૫૪૧ જેટલી મૃત્યુદંડની સજાઓ ફટકારવામાં આવી હતી.

(7:18 PM IST)