News of Tuesday, 5th May 2026
TVKની જીત પણ સત્તા હજુ દૂર કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય?
૧૧૮ના બહુમતીના આંકડાથી હજુ પણ ૧૦ ડગલાં દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ

ચેન્નાઇ તા.૫: તમિલનાડુની રાજનીતિમાં આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનની વાર્તા નથી, પરંતુ સત્તાના સમીકરણો બદલાવાનો સંકેત પણ છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધી છે. તેમની પાર્ટી TVK (તમિલગ વેટ્રી કઝગમ) ૧૦૮ બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, પરંતુ ૧૧૮ના બહુમતીના આંકડાથી હજુ પણ ૧૦ ડગલાં દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જાટિલ બની છે.
આ પરિણામ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે તમિલનાડુની જનતા બદલાવ ઈચ્છે છે, પરંતુ પૂર્ણ સત્તા કોઈ એકના હાથમાં સોંપવા હજુ તૈયાર નથી.
તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન અને જે. જયલલિતા જેવા ફિલ્મી ચહેરાઓએ અગાઉ રાજનીતિમાં સફળતા મેળવી છે, પરંતુ રજનીકાંત અને કમલ હાસન જેવી મોટી હસ્તીઓ પોતાની લોકપ્રિયતાને વોટમાં ફેરવી શકી નહોતી. વિજય આ પેટર્નને તોડતા જોવા મળ્યા છે. તેમની રેલીઓમાં ઉમટી પડેલી ભીડ, ખાસ કરીને યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી દર્શાવે છે કે TVK એ ‘એન્ટી-ઇન્કમ્બન્સી' અને ‘નવા વિકલ્પ' એમ બંને ભાવનાઓને સફળતાપૂર્વક કેશ કરી છે. દલિત અને ખ્રિસ્તી વોટ બેંકમાં ગાબડું, જે પરંપરાગત રીતે ઝપ્ધ્ સાથે જતું હતું, તે આ વખતે નિર્ણાયક રીતે વિજય તરફ ખસતું જોવા મળ્યું છે.
હવે અસલી લડાઈ ચૂંટણી જીતવાની નહીં, પણ સરકાર બનાવવાની છે. વિજય સામે ચાર સ્પષ્ટ વિકલ્પો છે, પરંતુ દરેક વિકલ્પ પોતાની સાથે રાજકીય કિમત અને જોખમ લઈને આવે છે
કોંગ્રેસ સાથે ગઠબંધનઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અગાઉથી જ સમર્થનનો સંકેત આપ્યો છે. ઓછો વૈચારિક ટકરાવ હોવાથી આ સૌથી સરળ રસ્તો હોઈ શકે છે.
NDA કે BJP નો સાથઃ વિજય ભાજપને અગાઉ ‘વૈચારિક દુશ્મન' ગણાવી ચૂક્યા છે. તેથી NDA સાથે જવું તેમના લઘુમતી અને ઉદારવાદી વોટર બેંકને નારાજ કરી શકે છે.
AIADMK સાથે પોસ્ટ-પોલ ડીલઃ આ વિકલ્પ સૌથી વ્યવહારુ દેખાય છે. સત્તાની જરૂરિયાત બંને પક્ષોને નજીક લાવી શકે છે અને AIADMK માટે આ ‘પોલિટિકલ ઓક્સિજન' સમાન સાબિત થઈ શકે છે.
નાના પક્ષો અપક્ષોનો સહારોઃ PMK, DMDK અને VCK જેવા નાના પક્ષો સાથે મળીને ‘થર્ડ ફ્રન્ટ' મોડલ બનાવી શકાય છે. આમાં વિજયને સ્વતંત્રતા મળશે, પરંતુ સરકારની સ્થિરતા પર પ્રશ્નો ઊભા થશે.
તમિલનાડુમાં આ જનાદેશ ‘સંતુલિત' છે. એમ.કે. સ્ટાલિનની DMK અને AIADMK વચ્ચે દાયકાઓથી ચાલતી રાજનીતિમાં હવે વિજય ત્રીજા ધ્રુવ તરીકે ઉભર્યા છે. વિજય સામે હવે અસલી પડકાર એ છે કે, તેઓ ‘સિસ્ટમ બદલવાની' રાજનીતિ કરશે કે પછી ‘સિસ્ટમનો હિસ્સો' બનીને સત્તા હાંસલ કરશે?
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
