News of Wednesday, 25th November 2026
TVS પરિવારની સંપત્તિનો વિવાદ મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો, લક્ષ્મી વેણુએ હિસ્સો મેળવવા પાર્ટિશન સૂટ દાખલ કર્યો
પિતા વેણુ શ્રીનિવાસન સામે કાનૂની જંગ, માતા મલ્લિકા શ્રીનિવાસને પુત્રીના સમાન હકનું સમર્થન કરતા કોર્પોરેટ જગતમાં ખળભળાટ

ચેન્નઈ, તા.૨૫: જાણીતા TVS પરિવારના વેણુ શ્રીનિવાસન જૂથમાં સંયુક્ત પારિવારિક સંપત્તિની માલિકી અને વહેંચણીને લઈને સર્જાયેલો વિવાદ હવે મદ્રાસ હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે, જ્યાં વેણુ શ્રીનિવાસનના પુત્રી લક્ષ્મી વેણુએ સંપત્તિના કાયદેસરના ભાગલા પાડી પોતાનો હિસ્સો મેળવવા માટે 'પાર્ટિશન સૂટ' (ભાગલા માટેનો દાવો) દાખલ કર્યો છે. સૌહાર્દપૂર્ણ ચર્ચાઓ દ્વારા ઉકેલ લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં લક્ષ્મીએ ન્યાયિક હસ્તક્ષેપની માંગણી સાથે આ કાનૂની પગલું ભર્યું છે.
આ કાનૂની કાર્યવાહી અગાઉ ૧૬ નવેમ્બરના રોજ લક્ષ્મીએ પરિવારના વડા એવા તેમના પિતા વેણુ શ્રીનિવાસનને એક નોટિસ મોકલી હતી, જેમાં સંપત્તિના કાયદેસરના ભાગલાની પ્રક્રિયામાં સહયોગ આપવા જણાવાયું હતું. જોકે, વેણુ શ્રીનિવાસનનું માનવું છે કે હવે વધુ ભાગલા પાડવાની કોઈ જરૂર નથી, કારણ કે વર્ષો દરમિયાન પરસ્પર સમજૂતી દ્વારા પારિવારિક સંપત્તિની વહેંચણી પહેલેથી જ થઈ ચૂકી છે.
પોતાના નિવેદનમાં લક્ષ્મી વેણુએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પરદાદા અને દાદાના વારસામાં તેમનો હિસ્સો તેમના ભાઈ જેટલો જ સમાન છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના પિતાએ તેમની માંગણીઓનો યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી અને તેમને સંબંધિત દસ્તાવેજો તથા માહિતી મેળવવાથી વારંવાર વંચિત રાખવામાં આવ્યા છે.
લક્ષ્મીએ આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમની આ કાનૂની લડાઈ માત્ર સંયુક્ત પારિવારિક સંપત્તિની માલિકી પૂરતી જ મર્યાદિત છે અને તેનો કોઈ પણ કંપનીના વ્યવસાયિક સંચાલન સાથે કોઈ સંબંધ નથી. આ નિવેદન દ્વારા તેમણે જૂથની કંપનીઓના રોજિંદા કામકાજ પર કોઈ અસર ન હોવાનો સંકેત આપ્યો છે.
બીજી તરફ, લક્ષ્મીના માતા અને વેણુ શ્રીનિવાસનના પત્ની મલ્લિકા શ્રીનિવાસને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ ન આવવા બદલ નિરાશા વ્યક્ત કરી પુત્રીના દાવાનું ખુલ્લું સમર્થન કર્યું છે. પુત્ર અને પુત્રી વચ્ચે સમાનતા પર ભાર મૂકતા મલ્લિકાએ જણાવ્યું છે કે લક્ષ્મી પરિવારની સંપત્તિમાં કાયદેસરના હિસ્સાની હકદાર છે અને તેનો હિસ્સો તેના ભાઈ સુદર્શનના હિસ્સાથી જરા પણ ઓછો ન હોવો જોઈએ.
લક્ષ્મીની નોટિસના જવાબમાં તેમના કાયદેસરના હકોનો સ્વીકાર ન થતાં આખરે મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આગામી દિવસોમાં મદ્રાસ હાઈકોર્ટમાં આ પાર્ટિશન સૂટ પર સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર ઉદ્યોગ અને કોર્પોરેટ જગતની નજર ટકેલી રહેશે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
