News of Tuesday, 8th September 2026
ઈરાનમાં સરકારની સામે પડેલી ટ્વિન સિસ્ટર્સ પર અમાનુષી અત્યાચાર
એકને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે અને બીજીને ૨૫ વર્ષની જેલ

તહેરાન,તા.૮: ઈરાનમાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં સરકારવિરોધી વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લેનારી ૧૯ વર્ષની ટ્વિન સિસ્ટર્સને કડક સજાનો સામનો કરવો પડી રહ્યો છે. તરાનેહ રહીમીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જ્યારે તેની બહેન રોમિના રહીમીને ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ધરપકડ સમયે બહેનો હાઈ સ્કૂલમાં ભણતી હતી.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે લાખો લોકો ઈરાનની સરકારના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા ત્યારે ૮ અને ૯ જાન્યુઆરીએ ઇસ્ફહાનમાં થયેલાં પ્રદર્શનોમાં તરાનેહ અને રોમિનાએ ભાગ લીધો હતો. લગભગ એક મહિના પછી તેમને તેમના ઘરેથી અડધી રાત્રે ઉઠાવી લેવામાં આવી હતી. માસ્ક પહેરેલા માણસોએ મધ્યરાત્રિએ તેમના ઘરેથી તેમનું અપહરણ કર્યું હતું. પાછળથી જાણવા મળ્યું હતું કે આ માણસોને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્ઝ (IRGC) દ્વારા મોકલવામાં આવ્યા હતા.
દીકરીઓ ક્યાં છે એ વિશે તેમનો પરિવાર ૪ મહિના સુધી અજાણ રહ્યો હતો. તેમની માતા મરઝીહ નૂરમોહમ્મદીએ હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં તેમની શોધ કરી અને અંતે તેને કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીઓને ઇસ્ફહાનની દોવલતાબાદ જેલમાં રાખવામાં આવી છે. તેમને છેક મે મહિનામાં તેમની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
