<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ટ્વિશા શર્મા મૃત્યુ કેસ: AIIMS દિલ્હીના ચોંકાવનારા રિપોર્ટમાં મોટો ખુલાસો, જીમ બેલ્ટ પરથી મળ્યા પીડિતાના ત્વચાના અવશેષો

​સીબીઆઈને સોંપાયેલા ૧૧ પાનાના અંતિમ ફોરેન્સિક રિપોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવા સાથે નિષ્કર્ષ: જીમમાં વપરાતા બેલ્ટના નિશાન અને ગળા પરના ઈજાના ડાઘા એકબીજા સાથે મેળ ખાતા હોવાની પુષ્ટિ

​નવી દિલ્હી:ભોપાલમાં ચકચારી બનેલા ટ્વિશા શર્માના રહસ્યમય મૃત્યુ કેસમાં દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના મેડિકલ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંતિમ ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આ ૧૧ પાનાનો રિપોર્ટ ૧૦ જુલાઈના રોજ સીલબંધ કવરમાં સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ ઘટનાના સત્ય સુધી પહોંચવા માટે સીબીઆઈ અને ન્યાયતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

​શું છે રિપોર્ટમાં મુખ્ય તારણો?

AIIMSના પાંચ સભ્યોના તબીબી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા બીજા પોસ્ટમોર્ટમ અને ઘટનાસ્થળની તપાસ બાદ તૈયાર કરાયેલા રિપોર્ટમાં વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે જે જીમ બેલ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેના પરથી ટ્વિશા શર્માની ત્વચાના કોષો (સ્કિન ટિશ્યુ) મળી આવ્યા છે. લેબોરેટરી અને હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણ દ્વારા સ્પષ્ટ થયું છે કે આ બેલ્ટ પરના નિશાન અને પીડિતાના ગળા પર જોવા મળેલા ઈજાના નિશાન એકબીજા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. રિપોર્ટમાં જીમ બેલ્ટનો ઉપયોગ ગળે ફાંસો ખાવા માટેના માધ્યમ તરીકે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

​કેમ લેવો પડ્યો હતો ફરી પોસ્ટમોર્ટમનો નિર્ણય?

ગત ૧૨ મેના રોજ ભોપાલમાં પોતાના સાસરી પક્ષના ઘરે ટ્વિશા શર્માનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે થયેલા પ્રથમ પોસ્ટમોર્ટમમાં કોઈ નિર્ણાયક પુરાવા મળી શક્યા ન હતા, કારણ કે તપાસ અધિકારીઓ દ્વારા ઘટનામાં વપરાયેલો કથિત જીમ બેલ્ટ મેડિકલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હતો. ટ્વિશાના પરિવારજનોએ આ મામલે ગંભીર બેદરકારી અને તપાસમાં ખામીઓ હોવાના આક્ષેપો કરીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને AIIMS દિલ્હીની નિષ્ણાત ટીમને ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની જવાબદારી સોંપાઈ હતી.

​આગામી કાર્યવાહી

AIIMS દિલ્હીના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં મેડિકલ બોર્ડે આ કેસની તમામ પાસાઓથી ગહન તપાસ કરી હતી. આ રિપોર્ટ તૈયાર કરવા માટે લગભગ એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મેડિકલ જર્નલ્સ અને વૈજ્ઞાનિક અભ્યાસોનો આધાર લેવામાં આવ્યો છે. હાલ સીબીઆઈ આ રિપોર્ટનું ઝીણવટભર્યું અધ્યયન કરી રહી છે. રિપોર્ટમાં તથ્યો અત્યંત સ્પષ્ટ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જે તપાસમાં એક નિર્ણાયક વળાંક સાબિત થશે. હાલમાં સીબીઆઈ દ્વારા આ કેસને આત્મહત્યા કે અન્ય કોઈ ઘટના તે દિશામાં હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટ કાયદાકીય અને ન્યાયિક કાર્યવાહી માટે એક અત્યંત મહત્વનો વૈજ્ઞાનિક પુરાવો માનવામાં આવી રહ્યો છે.

(11:20 PM IST)