તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
લખનૌમાં ED અધિકારી અને હેડ કન્સ્ટેબલ ફરિયાદી પાસે ૫ લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં સીબીઆઈ દ્વારા ઝડપાયા
પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો : CBI એ છટકું ગોઠવીને મનોજ દ્વિવેદીને ૫ લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથ પકડ્યો

લખનૌ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના એક અધિકારી અને એક હેડ કન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન એજન્સીના જણાવ્યા અનુસાર, આ બંને અધિકારીઓ પર એક ફરિયાદી પાસેથી ૫ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગંભીર આક્ષેપ છે. પકડાયેલા બંને અધિકારીઓની ઓળખ ઈડીની લખનૌ ઝોનલ ઓફિસમાં ફરજ બજાવતા એન્ફોર્સમેન્ટ ઓફિસર દીપક કુમાર અને હેડ કન્સ્ટેબલ મનોજ દ્વિવેદી તરીકે થઈ છે.
હેડ કન્સ્ટેબલ મનોજ દ્વિવેદી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) માંથી ડેપ્યુટેશન પર આ એજન્સીમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને તેઓ ઈડીના કેડર અધિકારી નથી. આ બંને આરોપીઓ સામે પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસ શુક્રવારે લખનૌના ઈડીના હેડ કન્સ્ટેબલ અને ઈડી લખનૌના અજ્ઞાત અધિકારીઓ સામે એક ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી હેડ કન્સ્ટેબલ દ્વિવેદીએ ફરિયાદીના પિતાને ઈડીના કેસમાં મદદ કરવા માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના પિતાને ઈડી લખનૌ ઝોન દ્વારા વર્ષ ૨૦૨૬ ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બે સમન્સ મળ્યા હતા. આ મામલે સીબીઆઈ દ્વારા એક સફળ ટ્રેપ (છટકું) ગોઠવવામાં આવી હતી, જેમાં દીપક કુમારના વતી ફરિયાદીના પિતાને ઈડી કેસમાં અનુકૂળ કરવા માટે ૫,૦૦,૦૦૦ રૂપિયાની માંગણી કરતી વખતે અને તે સ્વીકારતી વખતે મનોજ દ્વિવેદીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
