<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

માત્ર ૧૨ કલાકમાં દેશભરમાં બે ભયાનક ટ્રેન અકસ્માત, કાનપુરમાં ચૌરી ચૌરા એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા

ગુવાહાટી બાદ હવે કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર સાત પાસેથી રવાના થતી વખતે ટ્રેનના ત્રણ એસી કોચ લિહોડથી ખસતા મચી દોડધામ

કાનપુર : દેશમાં માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં બે મોટા ટ્રેન અકસ્માતો સામે આવતા રેલવે પ્રશાસનમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ છે. બુધવારે સવારે આસામના ગુવાહાટી પાસે કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એન્જિન અને ડબ્બા પાટા પરથી ઉતર્યાની ઘટના હજી તાજી જ હતી કે ત્યાં જ સાંજના સુમારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ ચૌરી ચૌરા એક્સપ્રેસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ બેક-ટુ-બેક દુર્ઘટનાઓને કારણે મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પરથી ગોરખપુર તરફ જઈ રહેલી ચૌરી ચૌરા એક્સપ્રેસ (૧૫૦૦૩) જ્યારે સાંજે ૫:૦૫ વાગ્યે રવાના થઈ રહી હતી, ત્યારે અચાનક તેના ત્રણ એસી થર્ડ-ગ્રેડ કોચ (બી-૪, બી-૫ અને બી-૬) પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. સદભાગ્યે ટ્રેનની ગતિ ખૂબ જ ધીમી હોવાથી એક મોટી અને ગંભીર જાનહાનિ ટળી ગઈ હતી અને કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નહોતી, પરંતુ અચાનક આવેલા આંચકાથી પ્લેટફોર્મ પર ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ લોક પાઇલટ અને ગાર્ડ દ્વારા તુરંત જ રેલવે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે રેલવે અધિકારીઓ અને એન્જિનિયરિંગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રેલવે કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને તમામ મુસાફરોને સહીસલામત કોચમાંથી બહાર કાઢ્યા હતા અને પ્લેટફોર્મ પર પ્રભાવિત થયેલી રેલ કામગીરીને પૂર્વવત કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા હતા. આ અગાઉ આસામના દિગારુ ખાતે પણ સૈરંગ-કોલકાતા એક્સપ્રેસના પાંચ ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરતા ચાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

આ બંને ગંભીર ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેકનિકલ ખામી કે સિગ્નલ અથવા ટ્રેકની ગરબડ જવાબદાર છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ આગામી સમયમાં આવા અકસ્માતો રોકવા માટે રેલવે દ્વારા સુરક્ષાના ધોરણો વધુ કડક બનાવવાની કવાયત હાથ ધરાશે.

(8:00 PM IST)