<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અમેરિકામાં ભારતીય મૂળના બે વ્યક્તિઓએ H-1B વિઝા કૌભાંડમાં પોતાનો ગુનો કબુલ્યો

આ શખ્સોએ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ખોટી નોકરીઓ બતાવીને વિઝા મેળવવાની સાજિશ રચી હતી

અમેરિકામાં ભારતીય મૂળના બે વ્યક્તિઓએ H-1B વિઝા કૌભાંડમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ શખ્સોએ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ખોટી નોકરીઓ બતાવીને વિઝા મેળવવાની સાજિશ રચી હતી. આ મામલે હવે તેમને ભારે દંડ અને જેલની સજા થઈ શકે તેમ છે.

 

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા બે ભારતીય મૂળના તેલુગુ વ્યક્તિઓ, 51 વર્ષીય સંપત રાજિડી અને શ્રીધર માડાએ H-1B વિઝા ફ્રોડના કાવતરામાં પોતાની સંડોવણી સ્વીકારી છે. અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આ બંનેએ મળીને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને અનેક વિદેશી નાગરિકો માટે એચ-1બી વિઝા મેળવ્યા હતા. સંપત રાજિડી ડબલિનમાં બે વિઝા પ્રોસેસિંગ કંપનીઓ ચલાવતો હતો, જ્યારે શ્રીધર માડા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના કૃષિ અને પ્રાકૃતિક સંસાધન વિભાગમાં ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર (CIO) જેવા મહત્વના પદ પર કાર્યરત હતો.

 

આ છેતરપિંડી જૂન 2020 થી જાન્યુઆરી 2023 દરમિયાન આચરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રાજિડી તેની કંપનીઓ દ્વારા વિઝા માટે અરજી કરતો હતો અને તેમાં ખોટું દર્શાવતો હતો કે આ કર્મચારીઓ યુનિવર્સિટીમાં કામ કરશે. બીજી તરફ, માડા પોતાના પદનો દુરુપયોગ કરીને યુનિવર્સિટીના પ્રોજેક્ટ્સ માટે આ કર્મચારીઓની જરૂર હોવાનું ખોટું સમર્થન આપતો હતો. વાસ્તવમાં, યુનિવર્સિટીમાં આવી કોઈ જગ્યા ખાલી જ નહોતી. વિઝા મળ્યા બાદ આ કર્મચારીઓને યુનિવર્સિટીને બદલે ખાનગી ક્લાયન્ટ્સ પાસે મોકલી દેવામાં આવતા હતા.

 

આ કૌભાંડને કારણે વિઝા લોટરી સિસ્ટમમાં પ્રામાણિકપણે પ્રયાસ કરતા લાયક ઉમેદવારોનો હક છીનવાયો હતો. આ ગંભીર ગુના બદલ બંને આરોપીઓને 5 વર્ષ સુધીની જેલની સજા અને 2.5 લાખ ડોલર (આશરે 2.10 કરોડ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવી શકે છે. આ કેસની તપાસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, હોમલેન્ડ સિક્યુરિટી અને USCIS જેવી મોટી એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. અમેરિકી સરકારના કડક વલણને કારણે વિઝા પ્રક્રિયામાં ગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

(11:38 PM IST)