<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

નેપાળમાં પૂર બાદ હાઇડ્રોપાવરની ટનલમાં ફસાયેલા બે મજૂરો નવ દિવસ બાદ જીવતા બહાર આવ્યા, ખાવા પીવા વગર સતત મહામંત્રનો જાપ કરતા રહ્યા સંજય શાહ

અપર ત્રિશૂળ-3એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની 170 મીટર ઊંડી ટનલમાંથી બે મજૂરોને સુરક્ષિત બચાવી લેવાયા, ઓક્સિજન પોકેટ અને શ્રદ્ધાના બળે મળ્યું નવું જીવન

કાઠમંડુ: નેપાળમાં તાજેતરમાં આવેલી વિનાશક પૂરની હોનારત બાદ એક અદ્ભુત અને ચમત્કારિક ઘટના સામે આવી છે. નેપાળના એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગ (ટનલ) માં છેલ્લાં નવ દિવસથી ફસાયેલા બે મજૂરોને શુક્રવારે બચાવ ટુકડી દ્વારા સકુશળ અને જીવંત બહાર કાઢવામાં આવ્યા છે. અન્ન અને જળ વિના જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતાં આ મજૂરોના સુરક્ષિત રેસ્ક્યુ બાદ બચાવ કાર્યકરો અને તેમના પરિવારોએ મોટી રાહત અનુભવી છે.

રેસ્ક્યુ કરાયેલા ૩૦ વર્ષીય મજૂર સંજય શાહે ટનલની અંદર વિતાવેલા ખૌફનાક નવ દિવસની આપવીતી વર્ણવતાં જણાવ્યું હતું કે, કાળી ડિબંગ ગુફામાં અન્ન અને પાણી વિનાના સમયમાં તેઓ સતત મહામંત્રનો જાપ કરીને ભગવાન પાસે પોતાના જીવન રક્ષણ માટે પ્રાર્થતા હતા. એક જવાબદાર ફોરમેન હોવાના નાતે જ્યારે ખતરાનું સાયરેન વાગ્યું ત્યારે તેઓ તમામ સહકર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં લાગેલા હતા. અન્ય લોકોનો જીવ બચાવવાની મથામણમાં તેમની પાસે બહાર નીકળવાનો સમય બચ્યો નહોતો અને પાણીનો જોરદાર પ્રવાહ ટનલમાં ઘૂસી જતાં બહાર જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો.

અધિકારીઓ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાડા ચાર કિલોમીટર લાંબી આ ટનલના ઊંડા ભૂગર્ભીય ભાગમાં એક 'એર પોકેટ' બની ગયું હતું, જ્યાં શ્વાસ લેવા માટે જરૂરી ઓક્સિજન અને હવાની હાજરી હતી. ટનલમાં પાણીની હાજરી અને એર પોકેટને કારણે આ મજૂરો નવ દિવસ સુધી મોત સામે ઝીંક ઝીલીને જીવંત રહી શક્યા હતા. આ જટિલ રેસ્ક્યુ ઓપરેશનમાં નેપાળી સેના અને ઊર્જા મંત્રાલય ઉપરાંત ભારત, ચીન અને દક્ષિણ કોરિયાથી આવેલા નિષ્ણાતો પણ જોડાયા હતા.

સુરક્ષિત બહાર આવ્યા બાદ સંજય શાહે ભાવુક થઈને જણાવ્યું હતું કે, તેમને પૃથ્વી પર નવું જીવન મળ્યું હોય તેમ અનુભવાઈ રહ્યું છે. નેપાળના ઊર્જા મંત્રી બિરાજ ભક્ત શ્રેષ્ઠે આ સફળતા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આશા ક્યારેય છોડવી જોઈએ નહીં. હાલમાં પ્રશાસન અને રાહત ટીમો ટનલમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી ચલાવી રહી છે.

(6:38 PM IST)