તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
બાબા રામદેવ અને ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે સમાધાન : વર્ષો જૂનો કડવાશનો અંત : માનહાનિનો કેસ પરત ખેંચાયો
પતંજલિના ઉત્પાદનો અંગેના વિવાદ અને આક્ષેપો બાદ બંને અગ્રણી ચહેરાઓ સામસામે મળ્યા : ગેરસમજ દૂર થતાં એકબીજાનો આભાર માન્યો : મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તંગદિલીભર્યા વાતાવરણ અને મતભેદોનો આખરે સુખદ અંત આવ્યો છે. થોડા સમય પહેલાં જ પતંજલિ બ્રાન્ડ અને તેના વિવિધ ઉત્પાદનોની ગુણવત્તા પર બ્રિજભૂષણ સિંહે આકરા પ્રહારો કરીને વિવાદ સર્જ્યો હતો, જે બાદ બાબા રામદેવ દ્વારા તેમની સામે માનહાનિ (ડેફેમેશન)નો દાવો ઠોકી દેવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી એક વિશેષ બેઠક બાદ તમામ ગેરસમજો દૂર થઈ ગઈ છે અને બાબા રામદેવે આ કાનૂની દાવો સત્તાવાર રીતે પરત ખેંચી લીધો છે.
અહેવાલો અનુસાર, વિવાદો અને ચર્ચાસ્પદ નિવેદનો વચ્ચે યોગગુરુ બાબા રામદેવે પોતે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે ખાસ સમય વિતાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ અત્યંત પ્રેમ અને ઉષ્માભર્યા વાતાવરણમાં એકબીજાને મળ્યા હતા, જેના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે. બંને અગ્રણીઓએ એકબીજા સાથે ખુલ્લા મનથી વાતચીત કરીને ભૂતકાળના તમામ વિવાદોને તિલાંજલિ આપી હતી. વાર્તાલાપ બાદ બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે સાચી પરિસ્થિતિ સામે આવ્યા બાદ હવે તેમની વચ્ચે કોઈ વિવાદ કે કડવાશ રહી નથી.
આ બેઠક બાદ સ્વામી રામદેવ મહારાજ અને બ્રિજભૂષણ શરણ સિંહે એકબીજાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપના ભૂતપૂર્વ સાંસદે રામદેવજીની વ્યવસાયિક બ્રાન્ડ અને તેમની પ્રોડક્ટ્સ અંગે આકરી ટીકા-ટિપ્પણી કરી હતી, જેના કારણે ભારે રાજકીય અને સામાજિક ચર્ચા જાગી હતી. જોકે, હવે પરસ્પર સમજુતી અને વાતચીત દ્વારા આ હાઈ-પ્રોફાઈલ વિવાદ સંપૂર્ણપણે શમી ગયો છે અને બંને પક્ષે શાંતિનો સુમેળ સાધવામાં આવ્યો છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
