તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
પાકિસ્તાની ગેંગસ્ટર અને ISI માટે કામ કરતા બે શંકાસ્પદોની ધરપકડ
ઉત્તર પ્રદેશ એટીએસને મોટી સફળતા! : આઈએસઆઈના ઈશારે પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા સંવેદનશીલ સ્થળોની જાસૂસી કરવી, ટારગેટ વ્યક્તિઓ પર હુમલા અને તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન નામથી પ્રચાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું

નવી દિલ્હી તા.૨૪: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝ્મ સ્કર્વોડ (એટીએસ) એ બે શંકાસ્પદોની ધરપકડ કરી છે જેઓ કથિત પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટી અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા કાવતરું ઘડી રહ્યા હતા. ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ બાગપતના રહેવાસી તુષાર ચૌહાણ ઉર્ફે હિઝબુલ્લાહ અલી ખાન અને દિલ્હીના રહેવાસી સમીર ખાન તરીકે થઈ છે.
એટીએસ (ATS) ને માહિતી મળી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ભારતીય યુવાનોને નિશાન બનાવી અને તેમને કટ્ટરપંથી બનાવી રહ્યા છે, અને ભારતમાં સ્લીપર સેલ વિકસાવી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટી અને આબિદ જાટ, આઇએસઆઇના ઇશારા પર કામ કરીને ભારતીય યુવાનોને લાલચ અને બ્રેનવોશ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉકસાવી રહ્યા હતા.
આ માહિતીના આધારે કાર્યવાહી કરતા એટીએસ ટીમે આજે (૨૩ એપ્રિલ) નોઇડામાં બંને આરોપીઓની ધરપકડ કરી. એટીએસએ તેમની પાસેથી એક પિસ્તોલ, પાંચ જીવંત કારતૂસ અને એક ચાકુ જપ્ત કર્યું. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તુષાર ઉર્ફે હિઝબુલ્લાહ અલી ખાન, સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનમાં હેન્ડલર્સ સાથે સંપર્કમાં આવ્યો હતો. તેને ટારગેટેડ લોકો પર પર હુમલો કરવા અને ગ્રેનેડ ફેંકવાની સૂચનાઓ મળી હતી. બદલામાં પાકિસ્તાનીઓએ તેને લાખો રૂપિયાની ઓફર કરી અને તેને વિદેશ મોકલવાની લાલચ આપી હતી.
દરમિયાન સમીર ખાનને તેના પાકિસ્તાની હેન્ડલર દ્વારા તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાનના નામથી પ્રચાર કરવા અને અન્ય યુવાનોની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ બંને આરોપીઓ સંવેદનશીલ સ્થળોની જાસૂસી કરી રહ્યા હતા અને એક મોટો ગુનો કરવાની તૈયારી કરી રહ્યા હતા. એટીએસ હવે તેમના અન્ય સાથીઓ અને આ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની તપાસ કરી રહી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
