News of Friday, 10th July 2026
જાપાન અને તાઈવાનમાં બાવી વાવાઝોડાનો કહેર: ૧૬૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે: તાઈવાનમાં ૧ મીટર જેટલો વિક્રમજનક વરસાદ ખાબકવાની આગાહી
કાલે શનિવારે વહેલી સવારે બાવી વાવાઝોડું જાપાનના સાકિશિમા ટાપુઓ પાસેથી પસાર થશે: જાપાનના ઓકિનાવામાં સેંકડો ઇમારતોમાં વીજળી ગૂલ: એશિયાના દેશોમાં ભારે તબાહી: જાપાન અને તાઈવાનમાં સેંકડો ફ્લાઇટ્સ રદ: જ્યારે ચીનના ૧ કરોડની વસતી ધરાવતા વેન્ઝોઉ શહેરમાં હાઈ એલર્ટ અપાયું

ટોક્યો: હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વહેલી સવારે બાવી વાવાઝોડું જાપાનના સાકિશિમા ટાપુઓ પાસેથી પસાર થવાની શક્યતા છે. આ વાવાઝોડામાં પવનની મહત્તમ ગતિ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે. વાવાઝોડાની ગંભીર અસરને પગલે જાપાનના ઓકિનાવામાં ૯૦૦ ઇમારતોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. ઇશિગાકી ટાપુ પર લોકો રક્ષણ માટે ઘરોની બારીઓ પર ટેપ અને નેટ લગાવી રહ્યા છે, જ્યારે સુપરમાર્કેટમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ છે.
જાપાન એરલાઇન્સે ૧૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરતા ૨૦,૦૦૦ મુસાફરો પ્રભાવિત થયા છે, જ્યારે ઓલ નિપ્પોન એરવેઝે ૧૬૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરતા અન્ય ૨૦,૦૦૦ લોકોની મુસાફરી ખોરવાઈ છે.
તાઈવાનમાં ૩૬ ઇંચ અથવા ૧ મીટર જેટલો વિક્રમજનક વરસાદ ખાબકવાની આગાહી વચ્ચે પાટનગર તાઈપેઈમાં તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
શનિવારે રાત્રે આ વાવાઝોડું ચીનના પૂર્વ કિનારે આવેલા વેન્ઝોઉ શહેર પર ત્રાટકે તેવી સંભાવના છે. ૧ કરોડની વસતી ધરાવતા આ ઔદ્યોગિક શહેરમાં માછીમારોને પરત બોલાવાયા છે. ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ૧૭,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને ૧,૭૦,૦૦૦ બચાવકર્મીઓને તૈનાત કરાયા છે
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
