News of Saturday, 5th September 2026
ચીનમાં વાવાઝોડા સાઉડેલનો કહેર: જિયાંગસીમાં ભૂસ્ખલનને કારણે ૧નું મોત અને ૧૧ લોકો ગુમ
મુશળધાર વરસાદ અને પૂર વચ્ચે ગાઓપિંગ શહેરમાં ઇમારતો ધરાશાયી થતાં પ્રશાસને શાળાઓ અને પર્યટન સ્થળો બંધ કરી રાહત કામગીરી તેજ કરી

બેઇજિંગ :ચીનના જિયાંગસી પ્રાંતના ગાઓપિંગ શહેરમાં શુક્રવારે વિનાશક વાવાઝોડા ‘સાઉડેલ’ના કારણે ત્રાટકેલા અચાનક પૂર અને ભૂસ્ખલનની ગંભીર દુર્ઘટનામાં ૧ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને ૧૧ થી વધુ લોકો કાટમાળ તથા ભારે કાદવ-કિચડ નીચે દટાઈને લાપતા બન્યા છે. રાજ્ય સમાચાર ચેનલ સીસીટીવીના અહેવાલ મુજબ, આ કુદરતી આફતે દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળી નાખ્યા છે, જ્યાં મુશળધાર વરસાદ અને બેકાબૂ પૂરના પ્રવાહને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાવાઝોડા સાઉડેલની ભયાનક અસરોને કારણે ફુજિયાન અને ગુઆંગડોંગ પ્રાંતોમાં અનેક ઘરો તેમજ ચાના વિશાળ બગીચા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે ફુડિંગ વિસ્તારમાં કમર સુધી ભરાયેલા પૂરના પાણીમાંથી વૃદ્ધો અને નાગરિકોનેસ સુરક્ષિત બહાર કાઢવા માટે અગ્નિશામક દળના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તીવ્ર પ્રવાહ એટલો ભયાનક હતો કે ગામડાઓમાં ત્રણ માળ સુધીની મજબૂત ઇમારતો પણ તાશનાં પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને ચીની વહીવટીતંત્રે એવાગમનના માર્ગો પર સાવચેતીના કડક પગલાં લીધા છે, જેમાં શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ પ્રમુખ પર્યટન સ્થળો અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ ૨૪ જેટલી ફેરી સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ફસાયેલા લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્સ અને આધુનિક રેસ્ક્યુ સાધનોની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે બચાવ કામગીરીમાં ભારે અડચણો ઊભી થઈ રહી છે.
ભૂતકાળમાં પણ આ ક્ષેત્રમાં મોસમી વાવાઝોડા અને પૂરના કારણે ભારે નુકસાન થતું રહ્યું છે, ત્યારે આગામી સમયમાં હવામાન વિભાગની ચેતવણીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પ્રશાસન દ્વારા પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની વિશેષ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
