તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
યુએઈ (UAE) માં ખાનગી ટ્યુશન આપવું હવે બન્યું કાયદેસર: શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સરકારે શરૂ કરી ખાસ 'વર્ક પરમિટ'
શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારો: ગેરકાયદે ટ્યુશનના યુગનો અંત, ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ પણ કમાણી કરી શકશે; માત્ર બે દિવસમાં ઓનલાઈન મંજૂરી
દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે ટ્યુશન ક્લાસીસ અને પ્રાઇવેટ કોચિંગ આપતા શિક્ષકો તેમજ ભણતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. યુએઈના માનવ સંસાધન અને અમીરાત મંત્રાલય (MoHRE) એ શિક્ષણ મંત્રાલય સાથે મળીને દેશમાં કાયદેસર રીતે ખાનગી ટ્યુશન (પ્રાઇવેટ ટ્યુટરિંગ) ઓફર કરવા માટે એક સત્તાવાર 'વર્ક પરમિટ' લોન્ચ કરી છે. આ નવા નિયમનકારી માળખાને કારણે હવે લાયક વ્યક્તિઓ કોઈપણ કાનૂની ડર વગર દેશભરમાં શૈક્ષણિક સહાય સેવાઓ પૂરી પાડી શકશે.
આ નવી યોજના હેઠળ મુખ્યત્વે ચાર શ્રેણીના લોકોને પ્રાઇવેટ ટ્યુશન આપવાની મંજૂરી મળશે, જેમાં શાળા-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ અને પ્રોફેશનલ રજિસ્ટર્ડ ટ્યુટર્સનો સમાવેશ થાય છે. આ કાયદાની સૌથી રસપ્રદ વાત એ છે કે, ૧૫ થી ૧૮ વર્ષની વયના શાળાના વિદ્યાર્થીઓ પણ, જો તેમની પાસે માન્ય યુએઈ રેસિડેન્સ પરમિટ (રહેઠાણ પરમિટ) હોય, તો તેઓ આ પરમિટ મેળવીને કમાણી કરી શકશે. જોકે, આ માટે તેમણે માતા-પિતાની લેખિત સંમતિ, શાળામાં અભ્યાસ ચાલુ હોવાનો પુરાવો અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સબમિટ કરવું અનિવાર્ય રહેશે.
આ પરમિટ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ અને ડિજિટલ બનાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ મંત્રાલયના ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકારી કે અર્ધ-સરકારી કર્મચારીઓ અને શાળાના નિયમિત શિક્ષકોએ પોતાના નોકરીદાતા (એમ્પ્લોયર) પાસેથી 'નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) લેવું પડશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમામ જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરાયેલી અરજીઓ પર માત્ર બે જ દિવસમાં પ્રક્રિયા કરીને મંજૂરી આપી દેવામાં આવશે અને આ પરમિટ બે વર્ષ માટે માન્ય રહેશે.
યુએઈ સરકારના આ કદમનો મુખ્ય હેતુ દેશમાં ચાલતા અનધિકૃત અને ગેરકાયદેસર ખાનગી ટ્યુશનના દૂષણને રોકવાનો અને તેને નિયંત્રિત કરવાનો છે. આ કાયદાથી વિદ્યાર્થીઓને યોગ્ય અને લાયક શિક્ષકો પાસેથી શૈક્ષણિક માર્ગદર્શન મળશે, જ્યારે બીજી તરફ જ્ઞાન વહેંચવા માંગતા શિક્ષકો અને યુવાનો માટે કમાણીનો એક નવો, સ્પષ્ટ અને સુરક્ષિત કાનૂની માર્ગ ખુલશે. યુએઈના શૈક્ષણિક વાતાવરણને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મોટું પ્રગતિશીલ પગલું છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
