News of Friday, 1st May 2026
યુએઇનું પાકિસ્તાન સામે કડક વલણ: અબુ ધાબીમાં "ઇતિહાદ એરવેઝે" ૧૫ પાકિસ્તાની કર્મચારીઓને અચાનક નોકરીમાંથી કાઢી મૂક્યા
કોઈપણ નોટિસ વિના સીધા ઇમિગ્રેશન ઓફિસમાં બોલાવીને માત્ર ૪૮ કલાકમાં દેશ છોડવાનો આદેશ ફટકારાયો

દુબઈ:: પાકિસ્તાન અત્યારે ભારે આર્થિક કટોકટી અને ગરીબીનો સામનો કરી રહ્યું છે, ત્યારે વિદેશમાંથી પાકિસ્તાનીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે યુએઇ દ્વારા પાકિસ્તાન પ્રત્યે હવે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાના સંકેતો સ્પષ્ટપણે મળી રહ્યા છે. અબુ ધાબી સ્થિત પ્રખ્યાત વિમાન કંપની ઇતિહાદ એરવેઝે પોતાના ૧૫ પાકિસ્તાની કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી દીધા છે.
આ કાર્યવાહી એટલી ઝડપી અને અણધારી હતી કે તેમાં કંપનીના માનવ સંસાધન વિભાગની કોઈપણ કાયદાકીય ઔપચારિકતા કે પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.
સામાન્ય રીતે કોઈપણ આંતરરાષ્ટ્રીય કંપનીમાં કર્મચારીઓને છૂટા કરતી વખતે નોટિસ પિરિયડ અપાતો હોય છે, પરંતુ વિવિધ માધ્યમોના અહેવાલોમાંથી મળતી વિગતો મુજબ આ ૧૫ પાકિસ્તાની નાગરિકો સાથે આવો કોઈ જ સામાન્ય વ્યવહાર કરવામાં આવ્યો નથી. આ તમામ કર્મચારીઓને કોઈ જાણ કર્યા વિના સીધા જ ઇમિગ્રેશન ઓફિસમાં બોલાવી લેવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક યુએઇ છોડી દેવા માટે માત્ર ૪૮ કલાકની આખરી મહેતલ આપવામાં આવી હતી.
વિદેશી સહાય અને લોન પર નભતા પાકિસ્તાન માટે આ ઘટના એક મોટો ફટકો છે. અખાતી દેશોમાં રોજગારી મેળવતા પાકિસ્તાનીઓની હાલત હવે કફોડી બની રહી છે.
આ તાજેતરની ઘટનાએ વિદેશમાં રહેતા અન્ય પાકિસ્તાનીઓમાં પણ ભારે ફફડાટ ફેલાવી દીધો છે. એક તરફ પાકિસ્તાનની સરકાર વિદેશી હૂંડિયામણ માટે પોતાના નાગરિકો પર નિર્ભર છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાની નાગરિકોની છબી સતત ખરડાઈ રહી છે.*
સત્તાવાર વર્તુળો અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાંથી પ્રાપ્ત થતી સ્પષ્ટ વિગતો અનુસાર, યુનાઇટેડ આરબ અમીરાતની પ્રખ્યાત વિમાન કંપની દ્વારા જે ૧૫ પાકિસ્તાની નાગરિકોને નોકરીમાંથી તાત્કાલિક અસરથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેઓ વિમાન ઉડાડતા પાયલોટ કે વિમાનની અંદર સેવા આપતી એર હોસ્ટેસ કે કેબિન ક્રૂના સભ્યો નથી. આ તમામ કર્મચારીઓ અબુ ધાબી એરપોર્ટ પર આવેલા કંપનીના "વિમાન હેંગર"માં ફરજ બજાવતા હતા. વિમાન હેંગર એટલે કે એવી અત્યાધુનિક જગ્યા જ્યાં વિમાનોનું પાર્કિંગ, માળખાગત સમારકામ અને નિયમિત જાળવણી કરવામાં આવે છે. આ તમામ પાકિસ્તાનીઓ મુખ્યત્વે ગ્રાઉન્ડ સ્ટાફ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ કામગીરી સાથે જોડાયેલા હતા. પાકિસ્તાનથી રોજગારીની શોધમાં આવેલા આ લોકો પાસે વિમાનોના ટેકનિકલ વિભાગની જવાબદારી હતી.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
