<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

UAEનો બાંગ્લાદેશીઓ પર મોટો પ્રહાર: કોઈ પણ પૂર્વ સૂચના વિના 4,800 વિઝા રદ કરતા તારિક રહેમાન સરકાર મુશ્કેલીમાં, નાગરિકો દ્વારા ભારે હોબાળો!

સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા અચાનક લેવાયેલા આ કડક પગલાથી હજારો બાંગ્લાદેશીઓની નોકરીઓ અને વ્યવસાયો જોખમમાં મુકાયા છે, ત્યારે અસરગ્રસ્ત લોકોએ સરકારને 22 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

ઢાકા : અખાતી દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા બાંગ્લાદેશી નાગરિકો સામે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે, જેના કારણે ઢાકાના રાજકારણમાં ભારે ભૂકંપ આવ્યો છે. UAE સરકારે કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે કારણ આપ્યા વિના અચાનક 4,800 જેટલા બાંગ્લાદેશી નાગરિકોના વિઝા રદ કરી દીધા છે. આ અણધાર્યા ફટકાને કારણે વેકેશન કે અન્ય કામસર બાંગ્લાદેશ પરત ફરેલા નાગરિકો ફરીથી UAE પરત ફરી શક્યા નથી અને તેઓ પોતાના જ દેશમાં ફસાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિના કારણે બાંગ્લાદેશની તારિક રહેમાન સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

પ્રાપ્ત અહેવાલો મુજબ, વિઝા રદ થવાના ઈમેઈલ મળ્યા બાદ નાગરિકોમાં અફરાતફરી મચી ગઈ છે. આ ઈમેઈલમાં તેઓ નોકરી કે વ્યવસાયમાં કેમ પાછા ફરી શક્યા નથી તેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. સ્થિતિ એટલી વણસી છે કે ગત 7 સપ્ટેમ્બરના રોજ નેશનલ પ્રેસ ક્લબ ખાતે સેંકડો અસરગ્રસ્ત નાગરિકો એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ મોટો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. પ્રવાસીઓએ બાંગ્લાદેશ સરકારને આ કટોકટીનો ઉકેલ લાવવા માટે આગામી 22 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા આપી છે. તેમજ જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી પુનર્વસન અને નાણાકીય સહાયની માંગણી કરી છે.

 

સરકારની પ્રતિક્રિયા અને નિષ્ણાતોનું શું कहना છે?

આ મામલે પ્રવાસીઓના કલ્યાણ અને વિદેશી રોજગાર રાજ્યમંત્રી નુરુલ હક નૂરે સ્વીકાર્યું છે કે મંત્રાલય આ બાબતથી વાકેફ છે અને રાજદ્વારી સ્તરે આ મામલો ઉકેલવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી તરફ, સેન્ટર ફોર નોન-રેસિડેન્ટ બાંગ્લાદેશીઓના પ્રમુખ શકીલ ચૌધરીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા તણાવને ધ્યાનમાં રાખીને UAE એ વિઝા ચકાસણી અત્યંત કડક બનાવી દીધી છે. સમયસર વિઝા રિન્યુ ન કરાવવા, દસ્તાવેજોની ખામીઓ તેમજ સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓ અને સુરક્ષા ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.

 

(7:18 PM IST)