News of Tuesday, 14th April 2026
UAEનો 'મોટો ઝટકો': પાકિસ્તાનનો હાથ ફરી ભીખ માંગવાના વાટકે : હવે શું કરશે શાહબાઝ સરકાર?
7 વર્ષમાં પહેલીવાર યુએઈએ 25,000 કરોડ પાછા માંગતા પાકિસ્તાન ડિફોલ્ટની અણીએ ચીની 'પાંડા બોન્ડ્સ' અને IMFના આશરે ઇસ્લામાબાદનો અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ

ઇસ્લામાબાદ: પાકિસ્તાન માટે 'મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો' હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જે ગલ્ફ દેશો અત્યાર સુધી પાકિસ્તાનના તારણહાર બનતા હતા, તેમણે હવે મોઢું ફેરવી લીધું છે. ભારતના ખાસ મિત્ર ગણાતા સંયુક્ત આરબ અમીરાત એ સ્પષ્ટ કરી દીધું છે કે $3 બિલિયન (અંદાજે ₹25,000 કરોડ) ની લોન હવે લંબાવવામાં નહીં આવે. સાત વર્ષમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે કોઈ નજીકના ઇસ્લામિક મિત્ર દેશે પાકિસ્તાનને દેવું ચૂકવવા માટે વધુ સમય આપવાનો ઇનકાર કર્યો હોય. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે UAE ના આ કડક વલણે શાહબાઝ શરીફ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે.
આ આર્થિક ખાડામાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબ હવે ત્રણ અલગ-અલગ દરવાજે દસ્તક દઈ રહ્યા છે. પ્રથમ, તેઓ ચીનના 'પાંડા બોન્ડ્સ' દ્વારા ઉધાર લેવાની તૈયારી કરી રહ્યા છે. બીજું, વૈશ્વિક બજારમાં યુરોબોન્ડ્સ અને ઇસ્લામિક સુકુક દ્વારા રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ છે, અને ત્રીજું, IMF તરફથી મળનારા $1.3 બિલિયનના હપ્તા પર તેમની આખરી આશા ટકેલી છે. જો કે, જે દેશ પહેલેથી જ દેવાના ડુંગર નીચે દબાયેલો હોય, તેને નવી લોન કયા આધારે મળશે તે એક મોટો પ્રશ્ન છે. વોશિંગ્ટનમાં ચાલી રહેલી બેઠકોમાં પાકિસ્તાની મંત્રીઓની લાચારી સાફ દેખાઈ રહી છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પાકિસ્તાનનો 'લોખંડી ભાઈ' ગણાતું ચીન પણ હવે હાથ લાંબો કરતા અચકાઈ રહ્યું છે. હોર્મુઝમાં સર્જાયેલી નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ખોરવાયો છે, જેની સીધી અસર પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણ ભંડાર પર પડી છે. જો તાત્કાલિક ભંડોળની વ્યવસ્થા નહીં થાય, તો પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે દેવાળું ફૂંકવાની આરે આવી જશે. પાકિસ્તાની જનતા માટે આ સ્થિતિ 'દુકાળમાં અધિક માસ' જેવી છે, જ્યાં મોંઘવારી અને દેવું બંને એકસાથે ગળું દબાવી રહ્યા છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
